'WFIથી સસ્પેન્ડ થયા બાદ પણ...' બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના ગણાતા સંજય સિંહ પર સાક્ષી મલિકે લગાવ્યા આ ગંભીર આરોપ
Image Source: Facebook
નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી 2024 બુધવાર
ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિકે ભાજપ સાંસદ બૃજ ભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહ પર નિશાન સાધ્યુ છે. સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક ખેલાડીનું સર્ટિફિકેટ શેર કરીને સંજય સિંહ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. સાક્ષી મલિકે કહ્યુ કે સરકાર દ્વારા ભારતીય રેસલિંગ ફેડરેશનની પ્રવૃતિઓથી સસ્પેન્ડ કર્યા બાદ પણ સંજય સિંહ ખેલાડીઓને નકલી સર્ટિફિકેટ વહેંચી રહ્યા છે.
સાક્ષી મલિકે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક તસવીર શેર કરી લખ્યુ કે ભારત સરકારે બૃજભૂષણ સિંહના સાથી સંજય સિંહની ગતિવિધિઓને સસ્પેન્ડ કરી દીધી હતી. તેમ છતાં સંજય સિંહ પોતાની મનમાની ચલાવીને નેશનલ રેસલિંગ ચેમ્પિયનશિપ કરાવી રહ્યા છે અને ખેલાડીઓને નકલી સર્ટિફિકેટ વહેંચી રહ્યા છે. જે ગેરકાયદેસર છે.
સાક્ષી મલિકે શું કહ્યુ
સાક્ષી મલિકે આગળ કહ્યુ કે રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત રેસલિંગ નેશનલ ચેમ્પિયનશિપ જયપુરમાં આયોજિત કરવાની છે. તે પહેલા જ કુશ્તી પર પોતાનો દબદબો સાબિત કરવા માટે સંજય સિંહ ગેર કાયદેસર રીતે અલગ નેશનલ ચેમ્પિયનશિપના સર્ટિફિકેટ સહી કરીને વહેંચી રહ્યા છે. સંસ્થાની સસ્પેન્ડેડ વ્યક્તિ કેવી રીતે સંસ્થાના રૂપિયાનો દુરુપયોગ કરી શકે છે.
રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરને કરી આ અપીલ
ભવિષ્યમાં જ્યારે ખેલાડી આ સર્ટિફિકેટને લઈને નોકરી માંગવા જશે તો કાર્યવાહી ગરીબ ખેલાડીઓ પર થશે જ્યારે ખેલાડીઓની કોઈ ભૂલ નથી. કાર્યવાહી તો આવા ફ્રોડ કરનાર સંજય સિંહ પર અત્યારથી થવી જોઈએ. જેની ગતિવિધિઓ પર રોક લગાવવા છતાં આ બધી છેતરપિંડી કરી રહ્યા છે. હું રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરજીને અપીલ કરુ છુ કે તમે આ મુદ્દાને જુઓ અને ખેલાડીઓનું ભવિષ્ય ખરાબ હોવાથી બચાવો.