Get The App

ફાઈનલમાં સાઈ સુદર્શન 'નો બોલ' પર આઉટ? ફેન્સ ભડક્યા, સોશ્યલ મીડિયા પર આપી તીખી પ્રતિક્રિયા

સાઈ સુદર્શનને પાકિસ્તાનના ફાસ્ટ બોલર અરશદ ઈકબાલે આઉટ કર્યો હતો

ફાઈનલમાં પાકિસ્તાન-Aનો 128 રને ભારત સામે વિજય થયો

Updated: Jul 24th, 2023


Google NewsGoogle News
ફાઈનલમાં સાઈ સુદર્શન 'નો બોલ' પર આઉટ? ફેન્સ ભડક્યા, સોશ્યલ મીડિયા પર આપી તીખી પ્રતિક્રિયા 1 - image
Image:Twitter

ઇમર્જિંગ એશિયા કપ 2023ની ફાઇનલ મેચ ગઈકાલે ભારત-A અને પાકિસ્તાન-A વચ્ચે રમાઈ હતી, જેમાં પાકિસ્તાનનો 128 રનથી વિજય થયો હતો. આ મેચમાં ભારતના સ્ટાર બેટ્સમેન સાઈ સુદર્શનની વિકેટને લઈને ઉગ્ર ચર્ચા ચાલી હતી. ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન-A સામે સદી ફટકારનાર સાઈ સુદર્શન ફાઇનલમાં કઈ ખાસ કરી શક્યો ન હતો. પરંતુ તેની વિકેટને લઈને સોશ્યલ મીડિયા પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે.

સાઈ સુદર્શનની વિકેટ વિવાદોમાં ઘેરાઈ

સાઈ સુદર્શનને પાકિસ્તાનના ફાસ્ટ બોલર અરશદ ઈકબાલે આઉટ કર્યો હતો. ઇકબાલે સુદર્શનને શોર્ટ બોલ પર કેચ આઉટ કરાવ્યો હતો. પરંતુ ઈકબાલનો આ બોલ વિવાદોના ઘેરામાં આવ્યો હતો. સોશ્યલ મીડિયા યુઝર્સ તેના આ બોલને નો બોલ કહી રહ્યા છે. વાયરલ થઈ રહેલી ફોટોમાં જોઈ શકાય છે કે અરશદ ઈકબાલનો પગ પોપિંગ ક્રિઝની નજીક હતો. જો કે આ પછી પણ નિર્ણય બોલરના પક્ષમાં ગયો અને સાઈ સુદર્શનને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો.

ક્રિકેટ ફેન્સનો સોશ્યલ મીડિયા પર દેખાયો ગુસ્સો

સોશ્યલ મીડિયા પર કેટલાક યુઝર્સે અરશદ ઇકબાલના આ બોલને નો બોલ ગણાવ્યો તો કેટલાકે તેને ખૂબ જ નજીકનો મામલો ગણાવ્યો હતો. સુદર્શનની આ વિકેટને લઈને ફેન્સમાં ગુસ્સો પણ જોવા મળ્યો હતો.

પાકિસ્તાન-Aનો 128 રને વિજય

ભારત-Aએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન-Aએ 50 ઓવરમાં 8 વિકેટે 352 રન બનાવ્યા હતા. પાકિસ્તાન માટે તૈયબ તાહિરે 12 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 108 રન બનાવ્યા હતા. આ સિવાય ઓપનર સાહિબજાદા ફરહાને 65 અને સૈમ અય્યુબે 59 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા ભારત-A 40 ઓવરમાં 224 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે પાકિસ્તાન-Aનો 128 રને વિજય થયો હતો. પાકિસ્તાન તરફથી બોલર સૂફિયાન મુકીમે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.


Google NewsGoogle News