ભારત-ઓસ્ટ્રેલિયા મેચ બાદ વાયરલ થયું સચિન તેંડુલકરનું ટ્વિટ, ગણાવી ઓસ્ટ્રેલિયાની ભૂલ
ભારતે ગઈકાલે રમાયેલી મેચમાં પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું
વિરાટ કોહલી અને કે.એલ રાહુલે 165 રનની ભાગીદારી કરી ભારતને જીત અપાવી હતી
Image:Instagram |
World Cup 2023 : ભારતીય ટીમે ODI World Cup 2023ની શરૂઆત જીત સાથે કરી હતી. પાંચ વખતની ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા(IND vs AUS)ને ભારતે 6 વિકેટથી હરાવ્યું હતું. ભારતની શાનદાર જીત બાદ ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર) પર ટ્વિટ કરી મેચનું વિશ્લેષણ કર્યું હતું. આ દરમિયાન તેણે ભારતીય ક્રિકેટ ટીમને જીત માટે શુભકામના આપી આપી હતી અને સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમની બે ભૂલો પણ ગણાવી હતી.
સચિને ઓસ્ટ્રેલિયાની ભૂલો ગણાવી
સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયાના ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાના નિર્ણયને સૌથી પહેલી ભૂલ ગણાવી હતી. સચિનને આશ્ચર્ય થયો હતો કે ચેપોકના મેદાન પર પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત સચિને લખ્યું કે ભારત સામે ઓસ્ટ્રેલિયાને એક લેફ્ટ આર્મ સ્પિનરની ખોટ પડી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ એડમ ઝમ્પાના રૂપમાં એકમાત્ર સ્પેશ્યાલિસ્ટ સ્પિનર સાથે ઉતરી હતી જયારે ભારતની ટીમમાં ત્રણ સ્પિનર્સ હતા.
સચિને ભારતીય બોલર્સના કર્યા વખાણ
ભારતીય ટીમની જીત બાદ સચિન તેંડુલકરે ટ્વિટ કરી કહ્યું હતું કે, ' ઓસ્ટ્રેલિયાને ટોસ જીતી પહેલા બેટિંગ કરતા જોઈ હું આશ્ચર્યચકિત થઇ ગયો હતો. ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને 199 રન પર રોકી દીધું હતું. ઓસ્ટ્રેલિયાએ શરૂઆત સારી કરી પરંતુ મને લાગ્યું કે તેમને આ પિચ પર લેફ્ટ આર્મ સ્પિનરની ખોટ પડી હતી.' બીજી તરફ ભારતીય બેટિંગને લઈને સચિને લખ્યું, 'વિરાટ અને રાહુલ વચ્ચે થયેલી ભાગીદારીના કારણે અમે મેચ જીતવામાં સફળ રહ્યા. બંને ખેલાડીઓએ સમય લીધો અને કેટલાંક શાનદાર શોટ લગાવવામાં સફળ રહ્યા હતા. બીજી ઈનિંગમાં બોલ સારી રીતે બેટ પર આવી રહી હતી. ટીમ ઇન્ડિયાને સારી શરૂઆત માટે અભિનંદન.
સેહવાગે ટ્વિટ કરી ભારતને જીત પર અભિનંદન પાઠવ્યા
આ ઉપરાંત સચિન તેંડુલકરના બેટિંગ પાર્ટનર અને પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે પણ ઓસ્ટ્રેલિયા સામે મળેલી જીતને લઈને ભારતીય ટીમને પોતાના અંદાજમાં અભિનંદન પાઠવ્યા હતા. સેહવાગે લખ્યું, 'લાલ ફૂલ, પીળો ફૂલ...રાહુલ અને કોહલીની બેટિંગ બ્યુટીફૂલ. લાંબા સમય સુધી યાદ રહેનાર ભાગીદારી. ભારતને જીત પર અભિનંદન.'