શિવાજી પાર્કમાં ક્રિકેટના ભગવાનના ગુરૂની પ્રતિમા બનશે, સરકારની મોટી જાહેરાત
Image:Twitter
Ramakant Achrekar statue: ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન અને Lord of Cricket કહેવાતા સચિન તેંડુલકરના કોચનું સન્માન કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે એક મોટો નિર્ણય લેતા મુંબઈના શિવાજી પાર્કમાં સચિનના બાળપણના કોચ રમાકાંત આચરેકરજીની પ્રતિમા સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી.
રમાકાંત આચરેકર તેંડુલકરના બાળપણના કોચ હતા. રમાકાંત આચરેકરે દિગ્ગજની ક્રિકેટ કારકિર્દીની શરૂઆતથી અંત સુધી મહત્વની ભૂમિકા ભજવી હતી. બાળપણમાં તેંડુલકરને તેમણે કોચિંગ આપ્યું હતું અને મુંબઈના અન્ય કેટલાક ખેલાડીઓને પણ તાલીમ આપી હતી, જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરવા ગયા હતા. હવે મહારાષ્ટ્ર સરકારે તેમના સન્માનમાં શિવાજી પાર્કમાં રમાકાંત આચરેકર સ્મારક બનાવવાની જાહેરાત કરી છે.
સચિને પ્રશંસા કરી :
સરકારના નિર્ણયનું સ્વાગત કરતા સચિને કહ્યું- આચરેકર સરનો મારા અને અન્ય ઘણા લોકોના જીવન પર ઘણો પ્રભાવ પડ્યો છે. હું તેમના તમામ વિદ્યાર્થીઓ વતી બોલી રહ્યો છું. તેમનું જીવન શિવાજી પાર્કમાં ક્રિકેટની આસપાસ જ ફરતું હતું. શિવાજી પાર્કમાં જ હંમેશા રહેવાની તેમની ઈચ્છા રહી હશે અને સરકારે આ સ્મારક થકી યથાર્ત શ્રદ્ધાંજલિ અર્પવાનો પ્રયાસ કર્યો છે. આચરેકર સરની પ્રતિમા તેમની કર્મભૂમિ પર બનાવવાના સરકારના નિર્ણયથી હું ખૂબ જ ખુશ છું.
છ ફૂટ ઉંચી હશે પ્રતિમા :
બુધવારે મહારાષ્ટ્ર સરકારે આચરેકરની યાદમાં પ્રતિમા બનાવવાની જાહેરાત કરી હતી જેની ઉંચાઈ છ ફૂટ હશે. આચરેકરજીનું આ સ્મારક શિવાજી પાર્કના ગેટ નંબર 5 પાસે સ્થાપિત કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. દરખાસ્ત મુજબ, પ્રતિમાની જાળવણી વી કામથ મેમોરિયલ ક્રિકેટ ક્લબ દ્વારા કરવામાં આવશે પરંતુ મહત્વની વાત એ છે કે આ સ્મારકની જાળવણીમાં રાજ્યની કોઈ પણ પ્રકારની આર્થિક મદદ નહિ મળે.
સચિનના ગુરુએ દુનિયાને કહ્યું અલવિદા :
સચિનના ગુરુ રમાકાંત આચરેકર હવે આ દુનિયામાં નથી. 2 જાન્યુઆરી, 2019ના રોજ મુંબઈમાં તેમનું અવસાન થયું હતુ. સચિનને માસ્ટર-બ્લાસ્ટર બનાવવામાં આચરેકરજીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે માત્ર સચિન જ નહીં પરંતુ વિનોદ કાંબલી, અજિત અગરકર, ચંદ્રકાંત પંડિત અને પ્રવીણ આમરે જેવા અનેક દિગ્ગજ ક્રિકેટરોને શિવાજી પાર્કમાં તાલીમ આપી છે. ભારતીય ક્રિકેટમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે તેમને દ્રોણાચાર્ય પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.