સચિન તેંડુલકરે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાના ફાયદા ગણાવ્યા, કહ્યું- ‘મને જ્યારે પણ તક મળી ત્યારે, હું…’
મુંબઈએ સેમિફાઈનલમાં તમિલનાડુને એક ઇનિંગ અને 70 રનથી હરાવ્યું હતું
મુંબઈએ રેકોર્ડ 48મી વખત રણજી ટ્રોફીની ફાઇનલમાં સ્થાન મેળવ્યું
Image:IANS |
Sachin Tendulkar : ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે યુવા ખેલાડીઓને ડોમેસ્ટિક ક્રિકેટને પ્રાથમિકતા આપવાની સલાહ આપી છે. સચિને કહ્યું કે, “આ વખતે રણજી ટ્રોફીની સેમિફાઇનલ રસપ્રદ હતી. મુંબઈએ બેટિંગના આધારે ફાઈનલમાં પ્રવેશ કર્યો, જ્યારે વિદર્ભ અને મધ્યપ્રદેશ વચ્ચે નિકટની હરીફાઈ ચાલુ છે.” તેણે BCCIની પણ પ્રશંસા કરી જે ડોમેસ્ટિક ક્રિકેટને પ્રોત્સાહન આપી રહી છે. સચિને એ પણ કહ્યું કે, “જ્યારે પણ મને તક મળી ત્યારે હું મુંબઈ માટે રમ્યો હતો, પરંતુ આજના ક્રિકેટરો આમ કરવામાં ખચકાય છે. મારું માનવું છે કે તેનાથી યુવા ખેલાડીઓને ફાયદો થાય છે.”
તેંડુલકરે કરી ડોમેસ્ટિક ક્રિકેટને લઈને કરી પોસ્ટ
સચિન તેંડુલકરે રણજી ટ્રોફીને લઈને પોતાની પોસ્ટમાં લખ્યું, "રણજી ટ્રોફીની સેમિફાઈનલ રસપ્રદ હતી. મુંબઈ શાનદાર બેટિંગની મદદથી ફાઇનલમાં પહોંચ્યું હતું, જ્યારે બીજી સેમિફાઈનલ છેલ્લા દિવસ સુધી રમાઈ રહી હતી. મધ્યપ્રદેશને જીતવા માટે 90થી વધુ રનની જરૂર છે, જ્યારે વિદર્ભને 4 વિકેટની જરૂર છે. મારા સમગ્ર કરિયર દરમિયાન મને જ્યારે પણ તક મળી ત્યારે હું મુંબઈ માટે રમવા ઉત્સાહિત રહ્યો છું. મોટા થતાં અમારા ડ્રેસિંગ રૂમમાં લગભગ 7-8 ભારતીય ખેલાડીઓ હતા અને તેમની સાથે રમવાની મજા આવી."
“રાષ્ટ્રીય ખેલાડીઓને મૂળભૂત બાબતોને ફરીથી શોધવાની તક આપે છે”
સચિને વધુમાં લખ્યું, “જયારે ભારતીય ખેલાડીઓ પોતાની ઘરેલુ ટીમ માટે રમે છે ત્યારે તે યુવાનો માટે રમતની ગુણવત્તામાં વધારો કરે છે અને કેટલીકવાર નવી પ્રતિભાની ઓળખ તરફ દોરી જાય છે. તે રાષ્ટ્રીય ખેલાડીઓને કેટલીકવાર મૂળભૂત બાબતોને ફરીથી શોધવાની તક પણ આપે છે. ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં ટોચના સ્તરના ખેલાડીઓ ભાગ લેતા હોવાથી સમય જતાં ચાહકો પણ તેમની ઘરેલું ટીમોને વધુ અનુસરવા અને સમર્થન આપવાનું શરૂ કરશે. BCCI ડોમેસ્ટિક ક્રિકેટને સમાન પ્રાધાન્ય આપી રહ્યું છે તે જોવું અદ્ભુત છે.”