10 વર્ષ બાદ ફરી આ લીગમાં સાથે રમશે સચિન અને યુવરાજ, ગુજરાતમાં પણ રમાશે એક મેચ
International Masters League : 22 ફેબ્રુઆરી એ ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગમાં ભારત અને શ્રીલંકાની ટીમ ટકરાશે. આ મેચમાં સચિન તેંડુલકર અને યુવરાજ સિંહ જેવા ભારતીય દિગ્ગજ ખેલાડીઓ સાથે રમતા જોવા મળશે. આ અનુભવી ખેલાડીઓને ફરીથી બ્લુ જર્સી પહેરીને રમવાની તક મળશે. સચિન તેંડુલકરે ભારત માટે ફક્ત એક જ T20I મેચ રમી હતી. આનાથી ચાહકો માટે રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં તેને ફરી એકવાર ભારતીય જર્સીમાં જોવાનું રસપ્રદ બનશે.
શું કહ્યું સચિન તેંડુલકરે?
છેલ્લા કેટલાક વર્ષોથી ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચોએ ચાહકોનું ઘણું મનોરંજન કર્યું છે. સચિન તેંડુલકર અને યુવરાજ સિંહે અસંખ્ય યાદગાર મેચ રમી છે. તેંડુલકરે કહ્યું, 'છેલ્લા કેટલાક વર્ષોમાં શ્રીલંકા સામે રમતા અમે કેટલીક યાદગાર ક્ષણો જોઈ છે, જેમાંથી વર્ષ 2011નો વર્લ્ડકપ સૌથી ખાસ હતો. આટલા વર્ષો પછી મેદાન પર પાછા ફરવું અને એવી ટીમનો સામનો કરવો જે આપણી ક્રિકેટ સફરનો આટલો મોટો ભાગ રહી છે, તે તેને વધુ ખાસ બનાવે છે.'
હું ફરીથી ક્રિકેટમાં પાછા ફરવા માટે ઉત્સુક - યુવરાજ સિંહ
બીજી તરફ યુવરાજ સિંહે વર્ષ 2011 વર્લ્ડકપ અને વર્ષ 2007 T20 વર્લ્ડકપ સહિત ભારતની અનેક જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. યુવરાજે કહ્યું કે, 'હું ફરીથી ક્રિકેટમાં પાછા ફરવા માટે ઉત્સુક છું. ભારત વિરુદ્ધ શ્રીલંકા હંમેશા રોમાંચક મેચ હોય છે અને હું જાણું છું કે ચાહકો પણ આપણા જેટલા જ ઉત્સાહિત છે. આંતરરાષ્ટ્રીય માસ્ટર્સ લીગનો ઉદ્દેશ્ય જૂની હરીફાઈઓને ફરીથી જાગૃત કરવાનો છે. સાંગા (સંગકારા) અને સચિન પાજીના નેતૃત્વ હેઠળ શ્રીલંકાની ટીમ સામે રમીને એવું લાગે છે કે આપણે ભૂતકાળમાં પાછા જતા રહ્યા છીએ, રમત પ્રત્યેનો જુસ્સો પહેલા જેવો જ છે.'
છ ટીમો ભાગ લેશે અ લીગમાં
આ લીગમાં છ ટીમો ભાગ લેશે જેમાં ભારત, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. બધી ટીમોમાં ક્રિકેટના કેટલાક મોટા સ્ટાર્સનો સમાવેશ થાય છે. આ લીગ નવી મુંબઈ, વડોદરા અને રાયપુરમાં આયોજિત કરવામાં આવશે. બધી મેચ સાંજે 7:30 વાગ્યાથી રમાશે. 16 માર્ચે રાયપુરમાં સેમિફાઇનલ અને ફાઇનલ મેચ રમાશે.