પેરિસ પેરાલિમ્પિકમાં શોટ પુટમાં સચિને જીત્યો સિલ્વર, ભારતને અત્યાર સુધી ત્રણ ગોલ્ડ, સાત સિલ્વર અને 11 બ્રોન્ઝ
Paris Paralympics 2024, Sachin Sarjerao Khilari Wins Silver Medal: પેરિસ પેરાલિમ્પિકસમાં ભારતીય એથ્લીટે સતત શાનદાર પ્રદર્શન કરી ઈતિહાસ રચી દીધો છે. આજે સચિન સરજેરાવ ખિલારીએ મેન્સ શોટ પુટ ઇવેન્ટમાં F46 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેની સાથે જ પેરિસ પેરાલિમ્પિક્સમાં ઐતિહાસિક રીતે ભારતે અત્યાર સુધીમાં 21 મેડલ જીતી લીધા છે.
ફાઇનલ મેચમાં સચિને તેના બીજા પ્રયાસમાં 16.32 મીટરનો થ્રો કર્યો હતો. આ ઈવેન્ટનો ગોલ્ડ મેડલ કેનેડાના ગ્રેગ સ્ટુઅર્ટે જીત્યો હતો. સ્ટુઅર્ટનો શ્રેષ્ઠ થ્રો 16.38 મીટર રહ્યો હતો. જ્યારે ક્રોએશિયાના બાકોવિક લુકાએ 16.27 મીટરનો થ્રો કરીને બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો.
ફાઈનલમાં સચિન ખિલારીનું પ્રદર્શન
પહેલો થ્રો- 14.72 મીટર
બીજો થ્રો- 16.32 મીટર
ત્રીજો થ્રો- 16.15 મીટર
ચોથો થ્રો- 16.31 મીટર
પાંચમો થ્રો- 16.03 મીટર
છઠ્ઠો થ્રો - 15.95 મીટર
પેરાલિમ્પિક ગેમ્સના ઇતિહાસમાં ભારતે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ટોક્યો પેરાલિમ્પિક્સ 2020માં ભારતે 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 19 જીત્યા હતા. પરંતુ પેરિસ પેરાલિમ્પિકસમાં ભારત અત્યાર સુધીમાં સૌથી વધારે 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 21 મેડલ જીત્યા છે. મુરલીકાંત પેટકરે વર્ષ 1972માં આયોજિત પેરાલિમ્પિકસમાં ભારત માટે પહેલો મેડલ જીત્યો હતો. મુરલીકાંત પેટકર એ જ ખેલાડી છે કે જેમના જીવન પર બનેલી ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' તાજેતરમાં રિલીઝ થઈ હતી.