VIDEO : અદ્ભુત! એડન માર્કરમે અસંભવ લાગતો કેચ પકડ્યો, બેટર સાથે દર્શકો પણ દંગ રહી ગયા

પ્લેઓફ મેચમાં સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપની ટીમે ડરબન સુપર જાયન્ટ્સને 51 રનથી હરાવ્યું

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
VIDEO : અદ્ભુત! એડન માર્કરમે અસંભવ લાગતો કેચ પકડ્યો, બેટર સાથે દર્શકો પણ દંગ રહી ગયા 1 - image


Aiden Markram Stunning Catch Video : સોશિયલ મીડિયા પર દરરોજ ક્રિકેટના મેદાનમાંથી અદ્ભુત કેચના વીડિયો સામે આવતા રહે છે. જો કે ગઇકાલે SAT20 ક્રિકેટ લીગમાં સનરાઈઝર ઈસ્ટર્ન કેપના કેપ્ટન એડન માર્કરમે એવો કેચ પકડ્યો જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. માર્કરમે હવામાં છલાંગ લગાવી આ કેચ પકડ્યો હતો. તેનો કેચ જોઈને બેટરની સાથે સાથે સ્ટેડિયમમાં હાજર દર્શકો પણ દંગ રહી ગયા હતા.

સનરાઇઝર્સના કેપ્ટન એડન માર્કરમે કરી કમાલ

SAT20 લીગમાં ગઇકાલે ડરબન સુપર જાયન્ટ્સની ઇનિંગ્સની ચોથી ઓવરમાં સનરાઇઝર્સના કેપ્ટન એડન માર્કરમે આ કમાલ કરી હતી. ચોથી ઓવરના પાંચમા બોલ પર ડરબનના બેટર જેજે સ્મટ્સે સામેની તરફ શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે બોલને યોગ્ય રીતે ટાઈમ કરી શક્યો ન હતો. થોડા સમય માટે એવું લાગતું હતું કે બોલ 30 યાર્ડ સર્કલ પાસે ઉભેલા એડન માર્કરમના ઉપરથી નીકળી જશે. પરંતુ છેલ્લી ક્ષણે માર્કરમે હવામાં છલાંગ લગાવી અને હવામાં જ અદ્ભુત કેચ પકડી લીધો. અશક્ય લાગતો આ કેચ પકડીને માર્કરમે પોતાની ટીમની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી.

સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપની 51 રને જીત

મેચની વાત કરીએ તો પ્લેઓફ મેચમાં સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપની ટીમે ડરબન સુપર જાયન્ટ્સને 51 રનથી હરાવ્યું હતું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સની ટીમે 157 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સુપર જાયન્ટ્સની ટીમ માત્ર 106 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ જીત સાથે સનરાઇઝર્સે સતત બીજી વખત SAT20 લીગની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. સનરાઇઝર્સની ટીમે ગયા વર્ષે પણ આ લીગનો ખિતાબ જીત્યો હતો. આવી સ્થિતિમાં આ વખતે પણ તેની પાસે ટાઈટલ જીતવાની શાનદાર તક છે.

VIDEO : અદ્ભુત! એડન માર્કરમે અસંભવ લાગતો કેચ પકડ્યો, બેટર સાથે દર્શકો પણ દંગ રહી ગયા 2 - image


Google NewsGoogle News