Get The App

Video: બેટ ફટકાર્યું નહીં, છતાં એક બોલમાં ટીમને મળ્યા 10 રન! આફ્રિકા-બાંગ્લાદેશ મેચમાં ગજબ ડ્રામા

Updated: Oct 31st, 2024


Google NewsGoogle News
BAN vs SA



SA vs BAN Test Match : ક્રિકેટમાં અવારનવાર વિચિત્ર ઘટનાઓ બનતી રહે છે. આવી જ એક વિચિત્ર ઘટના બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચિત્તાગોંગમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન જોવા મળી હતી. બાંગ્લાદેશની પહેલી જ ઓવરમાં એવું બન્યું કે બેટરનો બેટ બોલને અડ્યો નહોતો છતાં ટીમના સ્કોરબોર્ડ પર 10 રન નોંધાઈ ગયા હતા. આ જોઈને દુનિયાભરના ક્રિકેટ ચાહકો ચોંકી ઉઠ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

દક્ષિણ આફ્રિકાને દંડ ફટકારાયો

બાંગ્લાદેશની બેટિંગ પહેલા જ એક વિચિત્ર ઘટના બની હતી. હકિકતમાં દક્ષિણ આફ્રિકાના બેટર સેનુરન મુથુસામીએ પ્રથમ ઇનિંગમાં ICC પિચ સંરક્ષણ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આ માટે દક્ષિણ આફ્રિકા પર પાંચ રનની પેનલ્ટી લગાવવામાં આવી હતી. આ પેનલ્ટીના કારણે બાંગ્લાદેશે એક પણ બોલ રમ્યા વિના 5 રનથી શરૂઆત કરી હતી. 

આ પણ વાંચોઃ IPL-2025: તમામ 10 ટીમોએ જાહેર કર્યું રિટેન્શન લિસ્ટ; ધોની-કોહલી અને રોહિત રિટેઈન

રબાડાના નો બોલ પર 5 રન

બાંગ્લાદેશની બેટિંગ વખતે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગીસો રબાડાએ ઓવરની શરૂઆત કરી હતી. જો કે, તેણે બીજા બોલ પર નો-બોલ ફેંક્યો, જે લેગ સાઇડથી વાઈડ ગયો. વિકેટકીપર કાયલ વેરેયેને તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ચૂકી જતા બોલ બાઉન્ડ્રી સુધી પહોંચી ગયો હતો. આ રીતે બાંગ્લાદેશને માત્ર એક બોલમાં પાંચ રન મળી ગયા હતા. આમ, રબાડાના નો-બોલ સાથે બાંગ્લાદેશના રન બોલને અડ્યા વિના વધીને 10 થઈ ગયા હતા. 

દક્ષિણ આફ્રિકા પાસે 418 રનની લીડ

આ વિચિત્ર શરૂઆત છતાં દક્ષિણ આફ્રિકાના બોલરોએ બાંગ્લાદેશની બેટિંગને ધ્વસ્ત કરી નાખી હતી. બાંગ્લાદેશની ટીમ પ્રથમ દાવમાં 159 રનમાં સમેટાઈ ગઈ હતી. જેમાં મોમિનુલ હકે સૌથી વધુ 82 રન બનાવ્યા હતા. તૈજુલ ઈસ્લામે 30 રન અને મહમુદુલ હસન જોયે 10 રન બનાવ્યા હતા. આ ત્રણ સિવાય બાંગ્લાદેશ તરફથી કોઈ પણ બેટર બે અંકના આંકડાને પાર કરી શક્યો નહોતો. જ્યારે દક્ષિણ આફ્રિકા તરફથી કાગીસો રબાડાએ 5 વિકેટ ઝડપી હતી. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં 577/6 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આમ તેને બાંગ્લાદેશ સામે 418 રનની લીડ મળી છે. 

આ પણ વાંચોઃ દિગ્ગજ ક્રિકેટર અને 'કેપ્ટન'ના ઘરે થઈ ઘરફોડ ચોરી, મેડલ-આભૂષણ ચોરાયા, પરિવાર સલામત



Google NewsGoogle News