World Cup 2023 : ઓસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકા વચ્ચે બીજી સેમિફાઈનલ, એકને ચોકર્સના ટેગ તો બીજાને વધુ એકવાર ફાઈનલમાં પ્રવેશની ચિંતા
સાઉથ આફ્રિકાએ લીગ સ્ટેજમાં ઓસ્ટ્રેલિયાને 134 રનથી હરાવ્યું હતું
બંને ટીમોએ આ વર્લ્ડ કપના લીગ સ્ટેજમાં 7-7 મેચ જીતી છે
World Cup 2023 SA vs AUS Semi Final : ભારતીય ટીમ ન્યુઝીલેન્ડને હરાવીને ODI World Cup 2023ની ફાઈનલમાં પહોંચી ગઈ છે. ફાઈનલમાં ભારતની ટક્કર કઈ ટીમ સાથે થશે તેનો નિર્ણય આજે થશે. આજે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI World Cup 2023ની બીજી સેમિફાઈનલ રમાનાર છે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડનમાં બપોરે 2:00 વાગ્યે રમાશે. પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા આજે છઠ્ઠા ટાઇટલ માટે આગળ વધશે. જયારે સાઉથ આફ્રિકાની ટીમ પ્રથમ વખત વર્લ્ડ કપની ફાઈનલ રમવાનું સપનું પૂરું કરવા માટે મેદાનમાં ઉતરશે. બંને ટીમો ODI World Cup 2023ના લીગ સ્ટેજમાં 7-7 મેચ જીતીને સેમિફાઇનલમાં પહોંચી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીની વનડે મેચોમાં જીત-હારના આંકડા લગભગ સમાન રહ્યા છે.
ઓસ્ટ્રેલિયા સામે સાઉથ આફ્રિકાનું પલડું ભારે
સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધી 109 વનડે મેચ રમાઈ છે. જેમાં સાઉથ આફ્રિકાએ 55 જયારે ઓસ્ટ્રેલિયાએ 50 મેચમાં જીત મેળવી છે. બંને ટીમો વચ્ચે 3 મેચ ટાઈ છે જયારે એક મેચનું પરિણામ આવી શક્યું ન હતું. ODI World Cupમાં બંને ટીમો વચ્ચે 2 વખત ટક્કર થઇ છે. જેમાં એક મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી છે જયારે એક મેચ ટાઈ થઇ હતી. સાઉથ આફ્રિકાએ ODI World Cup 2023ની લીગ મેચમાં ઓસ્ટ્રેલિયાને 134 રનથી હરાવ્યું હતું. વનડેના જીત-હારના આંકડા પરતભી કહી શકાય છે કે ઓસ્ટ્રેલિયા સામે સાઉથ આફ્રિકાનું પલડું ભારે છે.
બોલર્સ માટે વધુ અનુકુળ છે કોલકાતાની પિચ
ODI World Cup 2023ની મેચો દરમિયાન ભારતમાં પિચોની ગુણવત્તાને લઈને વિવાદ થતો રહ્યો છે, પરંતુ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ગઈકાલે કહ્યું હતું કે તેને ICC પર વિશ્વાસ છે અને તેની ટીમને આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. ઈડન ગાર્ડન સ્ટેડિયમની પિચની વાત કરીએ તો અહિયાંની તમામ પિચો કાળી માટીથી બનેલી છે જેથી અહીં બોલર્સને સારો બાઉન્સ મળે છે. અહીં 35 વનડે મેચોમાં પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર 240 છે. પ્રથમ ઇનિંગમાં સ્પિનરોને મદદ મળી શકે છે. જો કે ફાસ્ટ બોલરોને પણ સાંજે ફાયદો થશે. અહીં ઝાકળનો અસર વધુ જોવા મળશે નહીં. ટોસ જીતનાર ટીમ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે.
બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઈલેવન
ઓસ્ટ્રેલિયા
ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ (wkt), માર્કસ સ્ટોઇનિસ, પેટ કમિન્સ (C), એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ
સાઉથ આફ્રિકા
ટેમ્બા બાવુમા (C), ક્વિન્ટન ડી કોક (wkt), રાસી વાન ડેર ડુસેન, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી એનગીડી, તબરેઝ શમ્સી