VIDEO : 'મને નીચાજોણું કરાવવા માગે છે...' હવે શ્રીસંત અને ગૌતમ ગંભીર વચ્ચે થઈ 'તુ..તુ..મેં..મેં'
ઇન્ડિયા કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને ગઈકાલે રમાયેલી મેચમાં 12 રનથી હરાવ્યું હતું
ગંભીરે 30 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા
S Sreesanth vs Gautam Gambhir : લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ગુજરાત જાયન્ટ્સ અને ઇન્ડિયા કેપિટલ્સ વચ્ચે ગઈકાલે રમાયેલી મેચ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર એસ શ્રીસંત અને ગૌતમ ગંભીર વચ્ચે બોલાચાલી જોવા મળી હતી. ગંભીર અને શ્રીસંત વચ્ચે વિવાદ વધતો જોઈ સાથી ખેલાડીઓ અને અમ્પાયરોએ દરમિયાનગીરી કરીને ખેલાડીઓને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. મેચ પછી ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતી વખતે શ્રીસંતે ગૌતમ ગંભીર પર મેચ દરમિયાન કંઈક ખૂબ ખરાબ કહેવાનો આરોપ લગાવ્યો હતો.
ગંભીર પોતાના સિનિયરને પણ માન આપતો નથી - પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર
શ્રીસંતે વીડિયો શેર કરતા કહ્યું, 'મિસ્ટર ફાઈટર સાથે શું થયું તે અંગે હું બધું ક્લીયર કરવા માંગુ છું. એક એવો વ્યક્તિ છે જે કોઈ કારણ વગર પોતાના સાથી ખેલાડીઓ સાથે લડે છે. તે પોતાના સિનિયર ખેલાડી વીરુભાઈને પણ માન આપતો નથી અને આજે આવું જ થયું છે. કોઈપણ કારણ વગર તે મને કંઈક કહી રહ્યો હતો જે ખૂબ જ ખરાબ હતું, જે મિસ્ટર ગૌતમ ગંભીરને ના કહેવું જોઈતું હતું.'
લોકો મને બિનજરૂરી રીતે અપમાનિત કરવાનો પ્રયાસ કરે છે - શ્રીસંત
શ્રીસંતે આગળ કહ્યું, 'અહીં મારી કોઈ ભૂલ નથી. હું સત્ય કહું છું. વહેલા કે પછી તમે બધા જાણી જશો કે મિસ્ટર ગૌટીએ શું કર્યું છે. તેણે જે શબ્દોનો ઉપયોગ કર્યો તે ક્રિકેટના મેદાનમાં સ્વીકાર્ય નથી. મારો પરિવાર, મારું રાજ્ય અને બધાએ ઘણું સહન કર્યું છે. હું બધાના સમર્થન સાથે આ લડાઈ લડ્યો છું અને હવે લોકો મને બિનજરૂરી રીતે અપમાનિત કરવાનો પ્રયાસ કરે છે. તેણે જે કહ્યું તે ન કહેવું જોઈએ. તેણે જે કહ્યું તે હું તમને કહીશ.'
જે સાથી ખેલાડીઓનું સન્માન ન કરી શક્યો તે લોકોનું પ્રતિનિધિત્વ શું કરવાનો
શ્રીસંતે કહ્યું, 'જો તમે તમારા સાથી ખેલાડીઓનું સન્માન ન કરી શકો તો લોકોનું પ્રતિનિધિત્વ કરવાનો શું અર્થ છે. શો દરમિયાન જ્યારે તેને વિરાટ વિશે પૂછવામાં આવે છે, ત્યારે તે તેના વિશે બોલતો નથી. તે અન્ય વસ્તુઓ વિશે વાત કરે છે. હું વધારે ઊંડાણમાં જવા માંગતો નથી. માત્ર એટલું જ કહેવા માંગુ છું કે મને અને મારા પરિવારને દુઃખ થયું છે અને તેણે જે રીતે કહ્યું... હું એક પણ શબ્દ નથી બોલ્યો, દુર્વ્યવહાર પણ નથી કર્યો.'
S Sreesanth on Gautam Gambhir:
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 7, 2023
"He kept calling me a fixer".pic.twitter.com/qPtSdEXTjp
ગંભીરે અશ્લીલ ગાળો આપી - શ્રીસંત
શ્રીસંત અને ગંભીર વચ્ચે બોલાચાલી બાદ હવે શ્રીસંતે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને ફેન્સને જણાવ્યું હતું કે ગંભીર મેચ દરમિયાન તેને વારંવાર ફિક્સર-ફિક્સર કહી રહ્યો હતો. આ સાથે જ તે અશ્લીલ ગાળો પણ આપી રહ્યો હતો જ્યારે તેની તરફથી એક પણ શબ્દ બોલાયો ન હતો.
બીજી ઓવરમાં થઇ હતી બોલાચાલી
ગઈકાલે રમાયેલી મેચની બીજી ઓવરમાં જ ગંભીર અને શ્રીસંત વચ્ચે બોલાચાલી થઈ હતી. ગંભીરે શ્રીસંતના પહેલા બોલ પર છગ્ગો અને બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ પછી ગંભીર આગામી બે બોલમાં એક પણ રન બનાવી શક્યો ન હતો. ચોથા બોલ પછી શ્રીસંત અને ગંભીર વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી. મેચની વાત કરીએ તો ગંભીરની ઈન્ડિયા કેપિટલ્સે 12 રને મેચ જીતી હતી અને શ્રીસંતની ગુજરાત જાયન્ટ્સ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી.