ઋતુરાજે રચ્યો ઈતિહાસ, આ મામલે ધોની કરતા આગળ, આવી સિદ્ધિ હાંસલ કરનારો પહેલો કેપ્ટન
Image: Facebook
Ruturaj Gaikwad: ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના હોમ ગ્રાઉન્ડ પર પંજાબ કિંગ્સ સામે 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. ભલે આ મેચમાં CSKને હાર મળી પરંતુ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 62 રનની ઈનિંગ રમીને એક રેકોર્ડ લિસ્ટમાં સ્થાન બનાવ્યું છે. ઋતુરાજ ગાયકવાડે આ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દીધો છે.
ઋતુરાજ ગાયકવાડ આ સિઝનમાં ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે. ચેન્નઈનો કેપ્ટન અત્યાર સુધી લીગની વર્તમાન સિઝનમાં 10 મેચમાં 63.63ની સરેરાશથી 509 રન બનાવી ચૂક્યો છે. ગાયકવાડે આ દરમિયાન એક સદી અને ચાર અડધી સદી ફટકારી છે. પંજાબ કિંગ્સ સામે પોતાની અડધી સદીની ઈનિંગ બાદ ચેન્નઈ સુપર કિંગ્સ માટે કેપ્ટન તરીકે એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બની ગયો છે.
આ પહેલા આ રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે હતો, જેણે 2013માં 18 મેચમાં 461 રન બનાવ્યાં હતાં. આ લિસ્ટમાં ત્રીજા, ચોથા અને પાંચમાં સ્થાન પર પણ ધોની જ છે. ધોનીએ 2018માં 16 મેચમાં 455 રન બનાવ્યાં હતાં જ્યારે પૂર્વ કેપ્ટને 2019માં 15 મેચમાં 416 અને 2008માં 16 મેચમાં 414 રન બનાવ્યાં હતાં. દરમિયાન ઋતુરાજ ગાયકવાડ ચેન્નઈ સુપર કિંગ્સ માટે એક સિઝનમાં 500થી વધુ રન બનાવનાર પહેલો કેપ્ટન છે.