વિરાટ કોહલી અને અનુષ્કા ભારત છોડી હંમેશા માટે જશે લંડન? આ ચાર કારણોના લીધે ફેન્સમાં ચર્ચા
Virat Kohli London Shifting Rumours: ભારતીય ટીમે ટી 20 વર્લ્ડકપ જીતી ઇતિહાસ રચી દીધો છે. સાઉથ આફ્રિકા સામેની ફાઇનલ મેચમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડી અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ કારણસર તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ એનાયત કરાયો હતો. હાલ, ભારતના આ સ્ટાર ખેલાડીના ફેન્સમાં ઇન્ટરનેટ પર પાછલા થોડાક મહિનાઓથી ચર્ચા ચાલી રહી છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ભારત છોડીને કાયમ માટે UKમાં શિફ્ટ થઇ જશે. મુંબઇમાં યોજાયેલી વિક્ટ્રી પરેડ બાદ વિરાટ કોહલી તેમના પરિવારને મળવા તાત્કાલિક લંડન જતા ચર્ચાએ વધુ જોર પકડ્યું છે.
ફેન્સ મુજબ આ ચાર કારણસર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લંડનમાં શિફ્ટ થવા અંગે વિચારી રહ્યા છે.
લંડનમાં ઘણો સમય વિતાવે છે કોહલી
પાછલા થોડાક મહિનાઓથી, વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા ઘણીવાર લંડનમાં સાથે ફરતા દેખાયા છે. પાછલા વર્ષે ડિસેમ્બરમાં કોહલીએ પરિવાર સાથે સમય વિતાવવા માટે ક્રિકેટથી દૂરી બનાવી હતી. આ સમયગાળા દરમિયાન પણ તે પરિવાર સાથે UK ફરવા ગયો હતો. આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ કોહલી તેના પુત્ર અકાયના જન્મના થોડાક દિવસો બાદ લંડનમાં તેની પુત્રી વામિકા સાથે દેખાયો હતો.
શું અકાયનો જન્મ લંડનમાં થયો છે?
વિરાટ કોહલી અને અનુષ્કાએ 20 ફેબ્રુઆરીએ (જન્મના પાંચ દીવસ બાદ) તેમના ચાહકોને જણાવ્યું હતું કે, તેમના ઘરે પુત્રનો જન્મ થયો છે. પાંચ દિવસ સુધી પુત્ર થયા અંગે કોઇ જાણકારી ન આપવા અંગે ઘણા ચાહકોનું માનવું છે કે, અકાયનો જન્મ ભારત બહાર થયું છે. ઉપરાંત ઘણા મીડિયા અહેવાલોમાં પણ દાવો કરાયો હતો કે, અકાય કોહલીનો જન્મ બ્રિટનની હોસ્પિટલમાં થયો હતો. તેમજ પુત્રના જન્મના થોડાક દિવસોમાં જ કોહલી લંડનમાં દેખાયા હતા. ત્યાર બાદ આ ચર્ચાએ વધું જોર પકડ્યું હતું.
સાદગીભર્યો જીવન
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર એક યુઝરે દાવો કર્યો હતો કે, વિરાટ કોહલી ટુંક સમયમાં ક્રિકેટમાંથી સંન્યાસ લેશે ત્યારે તે સંભવિત રીતે બ્રિટનમાં શિફ્ટ થઇ જશે. આ દાવા પાછળનું કારણ જણાવતા તેણે લખ્યું કે, વિરાટ કોહલી અગાઉ જણાવી ચૂક્યા છે કે તેમને યુરોપમાં રહેવું ગમે છે કારણ કે ત્યાં વધુ લોકો તેમને ઓળખતા નથી જેથી તેઓ ત્યાં સાદગીભર્યો જીવન જીવી શકે છે. કોહલીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન વિદેશમાં ન ઓળખાવવા અંગે પુછાયેલા સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, તે ખુશ છે કે તેને ઇંગ્લેન્ડમાં સમય વિતાવવા મળ્યો જેથી તે તેની પુત્રી વામિકા સાથે જોડાઇ શક્યો હતો. તેણે વધુમાં કહ્યું કે, અમે સાદગીભર્યો જીવન જીવવા માટે બે મહિનાથી ભારત બહાર હતા. આ સમયગાળો મારો અને મારા પરિવારનો હતો. આ ખૂબ જ સારું અનુભવ છે કે તમે રોડ પરથી પસાર થતાં હોવ અને કોઇ તમને ન ઓળખે આથી ખૂબ જ શાંતી મળે છે.
UKમાં કંપનીની માલિકી ધરાવે છે કોહલી અને અનુષ્કા
UK સરકારની કંપનીઓ વિશે જાણકારી બહાર પાડતી સંસ્થાના જણાવ્યા અનુસાર, વિરાટ કોહલી અને અનુષ્કા 1 ઓગસ્ટ, 2022ના રોજ નોંધાયેલી મેનેજમેન્ટ કન્સલ્ટન્સી કંપની મેજીક લેમ્પના ડિરેક્ટર તરીકે રજીસ્ટર્ડ છે. આ માહિતી બહાર આવ્યા બાદ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની હતી. ઉપર જણાવેલા ચાર કારણો પર હાલ સોશિયલ મીડિયામાં વ્યાપક ચર્ચા થઇ રહી છે અને વિરાટ કોહલી તેના પરિવાર સાથે ટુંક સમયમાં લંડન શિફ્ટ થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.