IPL 2024 : રાજસ્થાન રોયલ્સ સામે પ્રથમ જીત પર રહેશે દિલ્હીની નજર, સેમસન-પંત વચ્ચે થશે ટક્કર
રાજસ્થાન રોયલ્સે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં 20 રને જીત મેળવી હતી
પંજાબ કિંગ્સ સામે પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સનો 4 વિકેટે પરાજય થયો હતો
: IPL 2024માં આજે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાનાર છે. બંને ટીમો વચ્ચેની આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે રમાશે. પંજાબ કિંગ્સ સામે હાર સાથે IPL 2024 સિઝનની શરૂઆત કરનાર રિષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સની નજર રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં જીત પર રહેશે. છેલ્લી મેચમાં દિલ્હીની બેટિંગ સારી રહી ન હતી અને તેને ચાર વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. જયારે RRએ લખનઉ સુપર જાયન્ટ્સને હરાવીને સિઝનની શરૂઆત કરી હતી. તે મેચમાં રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ફિફ્ટી ફટકારી હતી.
દિલ્હીના બોલરો માટે સેમસનને રોકવાનો પડકાર
લખનઉ સામે સેમસન જે રીતે બેટિંગ કરી રહ્યો હતો તે જોઈને લાગી રહ્યું હતું કે તે સારા ફોર્મમાં છે. આવી સ્થિતિમાં દિલ્હીના બોલરો માટે સેમસનને રોકવાનો પડકાર રહેશે. રાજસ્થાનના કેપ્ટન તરીકે સેમસનનો રેકોર્ડ પણ સારો છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 145 રહ્યો છે. IPLના ઈતિહાસમાં વીરેન્દ્ર સેહવાગ બાદ આ બીજો સૌથી વધુ સ્ટ્રાઈક રેટ છે. સેહવાગનો સ્ટ્રાઈક રેટ 168 હતો.
ચોથા નંબર પર રમતા જોવા મળી શકે રિયાન પરાગ
રાજસ્થાન માટે રિયાન પરાગ ફરીથી ચોથા નંબર પર રમતા જોવા મળી શકે છે. જો કે છેલ્લી કેટલીક સિઝનમાં તે પોતાની ફ્રેન્ચાઈઝી માટે આવું પ્રદર્શન કરી શક્યો નથી. ટીમમાં રિયાનની ભૂમિકા ઝડપથી રન બનાવવા અને મેચ ફિનિશ કરવાની રહી છે, પરંતુ આ સિઝનમાં રાજસ્થાને તેની બેટિંગ લાઇન-અપમાં થોડો ફેરફાર કર્યો છે. પરાગને લખનઉ સુપરજાયન્ટ્સ સામે ચોથા નંબર પર બેટિંગ કરવા મોકલવામાં આવ્યો હતો અને તેણે આ તકનો ફાયદો ઉઠાવ્યો હતો અને 29 બોલમાં 43 રન બનાવ્યા હતા. દિલ્હી સામે પણ પરાગ ચોથા નંબર પર બેટિંગ કરશે તેવી આશા છે.
એનરિચ નોર્ટજેની ટીમમાં વાપસી
દિલ્હી કેપિટલ્સનો સ્ટાર ફાસ્ટ બોલર એનરિચ નોર્ટજે ઈજા બાદ ટીમમાં વાપસી કરવા માટે તૈયાર છે. નોર્ટજે પંજાબ સામેની છેલ્લી મેચમાં રમી શક્યો ન હતો અને તેની ટીમમાં વાપસી દિલ્હીના ફાસ્ટ બોલિંગ એટેકને મજબૂત બનાવશે. નોર્ટજે દિલ્હીની ટીમ સાથે જોડાઈ ગયો છે અને આશા છે કે તેને આજની મેચમાં પ્લેઈંગ-11માં સ્થાન મળશે. મુકેશ કુમાર અને ખલીલ અહેમદ તેની સાથે બોલિંગ વિભાગની જવાબદારી સંભાળી શકે છે. વર્ષ 2022 અને 2023માં નોર્ટજેનું પ્રદર્શન કંઈ ખાસ ન હતું. IPL 2022ની સિઝનમાં તેણે 6 મેચમાં 9 વિકેટ લીધી હતી અને IPL 2023માં તેણે 10 મેચમાં 10 વિકેટ ઝડપી હતી.
હોપને મળશે બીજી તક?
પંજાબ સામેની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સે પૃથ્વી શોને ટીમમાં સામેલ કર્યો ન હતો. શાઈ હોપ તે મેચમાં બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે 25 બોલમાં 33 રનની ઇનિંગ રમી હતી. છેલ્લી મેચમાં પૃથ્વીના ન રમવા અંગે કેટલાક સવાલો ઉભા થયા હતા અને શક્ય છે કે ટીમ શોને તક આપે. એ જોવાનું રસપ્રદ રહેશે કે હોપને બીજી તક મળશે કે કેમ?
બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11
દિલ્હી કેપિટલ્સ
રિષભ પંત (C/wkt), ડેવિડ વોર્નર, પૃથ્વી શો, મિચેલ માર્શ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, એનરિચ નોર્ટજે, ખલીલ અહેમદ
રાજસ્થાન રોયલ્સ
સંજુ સેમસન (C/wkt), જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, આવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ