5 બોલમાં 5 છગ્ગા ખાનારા બોલરે છેલ્લી ઓવરમાં બાજી પલટી, RCB ક્વોલિફાઈ, ચેન્નઇનું સપનું રોળાયું
RCB VS CSK: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં બેંગ્લોરનો 27 રનથી જીત મેળવીને પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. જ્યારે ચેન્નઈની ટીમ બહાર ફેંકાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ ક્વોલિફાઈ થઈ ગઈ છે.
પ્લેઓફમાં પહોંચનારી RCB ચોથી ટીમ બની
બેંગલુરુમાં શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચ રોમાંચક રહી હતી. પ્લેઓફની ક્વોલિફિકેશન માટે મહત્વની આ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. આખરે, RCBએ આ મેચ જીતી લીધી અને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું. આ સાથે જ આઈપીએલની 17મી સિઝનમાં પ્લેઓફમાં પહોંચનારી RCB ચોથી ટીમ બની ગઈ છે. આઈપીએલના ઈતિહાસમાં RCB નવમી વખત પ્લેઓફ માટે ક્વોલિફાઈ થયું છે. પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 218 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નઈની ટીમ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 191 રન જ બનાવી શકી હતી.
છેલ્લી ઓવરનો રોમાંચ
19 ઓવર પછી, RCBને ક્વોલિફાય થવા માટે 17 રનની જરૂર હતી જ્યારે ચેન્નઈને મેચ જીતવા માટે 35 રનની જરૂર હતી. બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે યશ દયાલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને ઇનિંગની છેલ્લી ઓવર યશે ફેંકી હતી. પ્રથમ બોલ પર, ધોનીએ છગ્ગો ફટકાર્યો હતો. હવે ટીમને પાંચ બોલમાં 11 રનની જરૂર હતી, પરંતુ બીજા જ બોલ પર ધોની સ્વપ્નિલ સિંહના હાથે કેચ આઉટ થયો હતો.
આ પછી શાર્દુલ ઠાકુર બેટિંગ કરવા આવ્યો હતો. ત્રીજા બોલ પર કોઈ રન ન આવ્યો. હવે ટીમને ત્રણ બોલમાં 11 રનની જરૂર હતી. ચોથા બોલ પર શાર્દુલે થર્ડ મેન તરફ શોટ રમ્યો અને એક રન લીધો હતો. હવે ચેન્નઈને ક્વોલિફાઈ કરવા માટે બે બોલમાં 10 રનની જરૂર હતી. જાડેજા ક્રિઝ પર પહોંચ્યો હતો. દયાલે ઓવરના છેલ્લા બંને બોલ પર ડોટ્સ ફેંક્યા હતા અને જાડેજા કોઈ રન બનાવી શક્યો નહોતો. આ સાથે RCBએ સિઝનની સતત છઠ્ઠી મેચ જીતી હતી.
યશ દયાલની બોલિંગમાં પાંચ બોલમાં પાંચ છગ્ગા ફટકાર્યા હતા
યશ દયાલે જે રીતે બોલિંગ કરી તે પ્રશંસનીય છે. દયાલ છેલ્લી IPL સિઝનમાં ગુજરાત ટાઇટન્સ (GT)નો ભાગ હતો. ત્યારે તેનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. IPL 2023માં, દયાલે 5 મેચમાં 11.79ના ઇકોનોમી રેટથી માત્ર બે વિકેટ લીધી હતી. જે બાદ ગુજરાતે તેને રિલીઝ કર્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચમાં રિંકુ સિંહે યશ દયાલને છેલ્લી ઓવરમાં સતત પાંચ છગ્ગા ફટકાર્યા હતા.