આજે દિલ્હી સામે બેંગ્લોર પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલાવવા ઉતરશે

- કોહલીની ટીમ સતત પાંચ મેચ હારતા પ્લે ઓફની રેસમાંથી લગભગ બહાર

- સાંજે ૪.૦૦ વાગ્યાથી મેચ શરૃ થશે

Updated: Apr 6th, 2019


Google NewsGoogle News
આજે દિલ્હી સામે બેંગ્લોર પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલાવવા ઉતરશે 1 - image

બેંગાલુરુ, તા.૬

રસેલની માત્ર ૧૩ બોલમાં અણનમ ૪૮ રનની ઈનિંગના આઘાતમાંથી બહાર આવીને બેંગ્લોર આવતીકાલે ફરી આઇપીએલ-૧૨ની સિઝનની પ્રથમ જીતની આશા સાથે દિલ્હી કેપિટલ્સ સામે ઉતરશે. કેપ્ટન કોહલીની બેંગ્લોરની ટીમ કંગાળ બેટીંગ, બોલિંગ અને ફિલ્ડિંગથી પરેશાન થઈ ચૂકી છે અને હવે તેઓ હારનો સિલસિલો અટકાવવા માટે મરણિયા બનશે તે નક્કી છે. 

શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સ ટીમ પાંચમાંથી ત્રણ મેચ હારી છે, જ્યારે બે મેચમાં તેમને જીત મળી છે. હવે તેઓ બેંગ્લોરના કંગાળ ફોર્મનો લાભ ઉઠાવતા તેમને હોમગ્રાઉન્ડ પર જ હરાવવાની તૈયારી કરી રહ્યા છે. 

બેંગાલુરુના એમ. ચિન્નાસ્વામિ સ્ટેડિયમમાં સાંજે ૪.૦૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. કેપ્ટન કોહલી અને ટીમ મેનેજમેન્ટના ભરપૂર પ્રયાસો છતાં બેંગ્લોરની ફિલ્ડિંગમાં સુધારો થયો નથી. તેમના બોલરોનો દેખાવ પણ સરેરાશ કક્ષાનો રહ્યો છે, જેનો ફાયદો હરિફ બેટ્સમેનો ઉઠાવતા જોવા મળ્યા છે. હવે કોહલી અત્યંત હતાશ થયેલી ટીમને કેવી રીતે જીતવા માટે તૈયાર કરે છે, તે જોવાનું રહેશે.

કોહલી માટે બોલરો-ફિલ્ડરો પરેશાનીનું કારણ

બેંગ્લોરના કેપ્ટન કોહલીએ કંગાળ ફોર્મમાંથી બહાર આવતા કોલકાતા સામેની મેચમાં અડધી સદી ફટકારીને સનસનાટી મચાવી હતી. જોકે રસેલની અત્યંત વિસ્ફોટક બેટીંગે આખરી ઓવરોમાં ઝંઝાવાત સર્જતા બાજી પલ્ટી નાંખી હતી. દિલ્હી સામેની મેચ પહેલા બેંગ્લોરે તેની બોલિંગ અને ફિલ્ડિંગમાં સુધારો કરવો પડશે. કોલકાતા સામેની મેચમાં પણ બેંગ્લોરના ફિલ્ડરોની કંગાળ ફિલ્ડિંગ અને આસાન કેચ પડતા મુકવા જેવી ઘટના  સામાન્ય લાગતી હતી. બેંગ્લોરે તેની બોલિંગ વ્યૂહરચના અંગે ફેરવિચારણા કરવાની જરુર જણાઈ રહી છે. 

દિલ્હીને સતત બે પરાજય બાદ ફરી બેઠા થવાનો વિશ્વાસ

શ્રેયસ ઐયરની આગેવાની હેઠળના દિલ્હી કેપિટલ્સે કોલકાતાને સુપર ઓવરમાં હરાવ્યું હતુ, પણ ત્યાર બાદ તેઓ પંજાબ અને હૈદરાબાદ સામેના મુકાબલા ગુમાવી ચૂક્યા છે, જેના કારણે ખેલાડીઓની સાથે ટીમ મેનેજમેન્ટ પર દબાણ સર્જાયું છે. કેપ્ટન ઐયરની સાથે પંત, પૃથ્વી શૉ, શિખર ધવન, જેવા ટીમ ઈન્ડિયામાં સ્થાન ધરાવતા સુપરસ્ટાર્સની સાથે સાથે ક્રિસ મોરીસ, કોલીન મુનરો, ઈનગ્રામ, કિમો પોલ, રબાડા અને બોઉલ્ટ જેવા ખેલાડીઓએ વિજયી દેખાવ કરવો પડશે. દિલ્હી કેપિટલ્સના બેટ્સમેનોના દેખાવ પણ ભારે ચડાવ-ઉતાર જોવા મળ્યો છે અને આઇપીએલમાં સારો દેખાવ કરવા માટે તેમણે સાતત્યભર્યું પર્ફોમન્સ આપવું પડશે.



Google NewsGoogle News