Get The App

રોહિતની ટેસ્ટમાં પણ કારકિર્દી પતી ગઇ! ગાવસ્કર સહિત 3 દિગ્ગજોની ભવિષ્યવાણી ચર્ચામાં

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
રોહિતની ટેસ્ટમાં પણ કારકિર્દી પતી ગઇ! ગાવસ્કર સહિત 3 દિગ્ગજોની ભવિષ્યવાણી ચર્ચામાં 1 - image


Image: Facebook

Rohit Sharma: ભારતના પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર, પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રી અને પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે એક સૂરમાં કહ્યું છે કે 'બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રોહિત શર્માની કદાચ અંતિમ ટેસ્ટ મેચ હતી.' રોહિત શર્માએ પોતાને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચમી અને સિડનીમાં રમાઈ રહેલી અંતિમ ટેસ્ટથી બહાર રાખ્યો છે. જસપ્રીત બુમરાહ સીરિઝમાં બીજી વખત કેપ્ટનશિપ કરતો નજર આવ્યો. પર્થ ટેસ્ટ મેચ બીજીટીમાં ભારતે તેની જ કેપ્ટનશિપમાં જીતી હતી.

37 વર્ષના રોહિત શર્માએ પાંચમી ટેસ્ટમાં પોતાને આરામ આપવાનો નિર્ણય કર્યો. રોહિત ત્રણ ટેસ્ટ મેચની પાંચ ઈનિંગમાં 31 રન જ બનાવી શક્યો. સુનીલ ગાવસ્કરે પહેલા દિવસની રમત દરમિયાન લંચ બ્રેકમાં કહ્યું, 'આનો અર્થ એ છે કે જો ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ક્વોલિફાય કરતું નથી તો મેલબોર્ન ટેસ્ટ રોહિતની અંતિમ ટેસ્ટ હશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું નવું ચક્ર ઈંગ્લેન્ડ વિરુદ્ધ સીરિઝની સાથે શરૂ થશે અને સિલેક્ટર એવા ખેલાડીને ઈચ્છશે જે 2027 ફાઈનલ પણ રમે. ભારત ત્યાં પહોંચે છે કે નહીં આ બાદની વાત છે પરંતુ પસંદગી સમિતિનો આ વિચાર હશે. આપણે કદાચ રોહિત શર્માને અંતિમ ટેસ્ટ રમતો જોઈ લીધો.'

આ પણ વાંચો: રોહિત-ગંભીરના નિર્ણયોથી નારાજ છે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ? ડ્રેસિંગ રૂમમાં ભારે તણાવ

ટોસ પ્રેઝન્ટેશન બાદ કોમેન્ટરીમાં રોહિત શર્માને લઈને રવિ શાસ્ત્રીએ કહ્યું, 'ટોસના સમયે મારા પૂછ્યા પહેલા જ જસપ્રીત બુમરાહે એ વાત કહી કે કેપ્ટને બહાર રહેવાનો નિર્ણય કર્યો છે અને કહ્યું કે શુભમન ગિલના રમવાથી ટીમ મજબૂત જશે. આ ત્યારે થાય છે જ્યારે તમારા રન બની રહ્યાં નથી અને માનસિક રીતે તમે ત્યાં ન હોવ. આ કેપ્ટનનો ખૂબ સાહસી નિર્ણય છે કે તે આ મેચમાં બહાર રહેવા તૈયાર થયા.'

ભારત શ્રેણીમાં 1-2 થી પાછળ છે અને બોર્ડર ગાવસ્કર ટ્રોફી પોતાની પાસે રાખવા માટે ટીમ ઈન્ડિયાએ સિડની ટેસ્ટ દરેક સ્થિતિમાં જીતવાની છે. જો અહીં ટીમ હારે છે તો ડબ્લ્યૂટીસી ફાઈનલમાં પહોંચવાની તમામ આશાઓ ખતમ થઈ જશે. ભારતે આગામી ટેસ્ટ સીરિઝ જૂનમાં રમવાની છે. આને લઈને શાસ્ત્રીએ કહ્યું, 'જો ઘરેલૂ સેશન ચાલુ થાત તો તે આગળ રમવાનું વિચારી પણ શકતો હતો પરંતુ મને લાગે છે કે તે આ ટેસ્ટ બાદ નિવૃત્તિની જાહેરાત કરી દેશે.' તે યુવાન નથી અને એવું નથી કે ભારતની પાસે યુવાનોની અછત છે. ખૂબ પ્રતિભાશાળી ખેલાડી ટીમમાં આવવાની રાહ જોઈ રહ્યાં છે. અઘરો નિર્ણય છે પરંતુ તમામે એક દિવસ આ નિર્ણય લેવાનો છે.' 

પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે રોહિતના નિર્ણયના વખાણ કરતાં કહ્યું, 'એકદમ રોહિત શર્મા વાળો નિર્ણય. યોગ્ય સમયે ટીમ માટે યોગ્ય નિર્ણય લેવો પરંતુ આ મુદ્દાને લઈને આટલું રહસ્ય સમજમાં આવ્યું નહીં. ટોસના સમયે પણ આની પર વાત કરવામાં આવી નથી.'


Google NewsGoogle News