BCCIએ રોહિત, વિરાટ અને જાડેજા સહિત સિનિયર ખેલાડીઓને આપ્યો નવો ટાર્ગેટ, જીતવાની છે બે-બે ટ્રોફી

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
Rohit Sharma  Virat Kohli


Rohit Sharma Virat Kohli:  T20 વર્લ્ડ કપ જીત્યા પછી ભારતીય ટીમ હાલમાં ખૂબ જ ઉત્સાહમાં છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાને શાનદાર જીત મેળવી છે. તેણે 2007 પછી આ ટ્રોફીને પોતાના નામે કરી છે. ભારતીય ટીમ વિજેતા બન્યા બાદ ભારતના ત્રણ દિગ્ગજ ખેલાડીઓએ નિવૃત્તિ લીધી હતી. સૌથી પહેલા વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.ત્યાર બાદ કેપ્ટન રોહિત અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીતી લીધો છે, અને હવે આવતા વર્ષે બે મોટી ICC ઈવેન્ટ જીતવાની તૈયારીઓ  શરુ કરી દીધી છે.  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પણ તેના માટે તૈયારીઓ કરી લીધી છે. T20 વર્લ્ડ કપ બાદ નિવૃત્તિ લેનારા ખેલાડીઓ હવે 2025માં યોજાનારી બે મોટી ટૂર્નામેન્ટ જીતવાની તૈયારીમાં લાગેલા છે. BCCIના સીઆઈના સચિવ જય શાહે કહ્યું કે, ટીમ ઈન્ડિયાનું આગામી લક્ષ્ય ચેમ્પિયન્સ ટ્રોફી અને આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જીતવા પર છે.

સિનિયર ખેલાડીઓ જરુર રમશેઃ જય શાહ

જય શાહે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પર ભાર મૂક્યો હતો. જેમા અનુભવી સિનિયર ખેલાડીઓ સાથેની મજબૂત ટીમનું મહત્ત્વ બતાવતા જય શાહે કહ્યું કે, "આ ટીમ જે રીતે આગળ વધી રહી છે, અમારો હેતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનો છે. ત્યાં પણ લગભગ આ જ ટીમ રમશે. સિનિયર ખેલાડીઓ જરુર હશે.'' છેલ્લા એક દાયકામાં ભારતીય ટીમ મોટી ફાઈનલમાં હારવા માટે જાણીતી હતી, પરંતુ છેલ્લા 12 મહિનામાં બે ICC ફાઇનલમાં હાર્યા બાદ ટીમે ટાઈટલ જીતીને નવી આશા જગાવી છે. 

ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઈટલ ફરીથી જીતવા પર નજર

ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન પાકિસ્તાનની ધરતી પર થશે. ત્યાર બાદ જૂન 2025માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ લોર્ડ્સ, લંડનમાં યોજાશે. ભારતે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ જીતી હતી. જે બાદ 2017માં ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પાકિસ્તાન સામે હારી ગઈ હતી. ભારત ફરી આ ટુર્નામેન્ટને પોતાના કરવા ઈચ્છે છે. 

હવે ટેસ્ટ ચેમ્પિયન બનવાનો વારો

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વાત કરીએ, તો 2021માં ભારત ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં હારી ગયું હતું. ત્યાર બાદ વર્ષ 2023માં ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું. સતત બે વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર્યા બાદ હવે ભારતની નજર આ ટૂર્નામેન્ટ જીતવા પર મંડાયેલી છે.


Google NewsGoogle News