ટીમ ઈન્ડિયાના હિટમેનનો ફરી 'ફ્લોપ શૉ', છેલ્લી 14 ઈનિંગમાં ફક્ત 11ની સરેરાશથી રન કર્યા
Rohit Sharma : ઓસ્ટ્રેલિયા સામેની ચોથી બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર જે રીતે રોહિત શર્મા પેટ કમિન્સના બોલ પર આઉટ થયો હતો તે ઘણાં સવાલો ઊભા કરી રહ્યા છે. કેપ્ટન રોહિત કમિન્સનો શોર્ટ ઓફ લેન્થ બાઉન્સર બોલને પીક કરી શક્યો ન હતો અને સ્કોટ બોલેન્ડના હાથે કેચ આઉટ થઇ ગયો હતો. રોહિત આવી શોર્ટ બોલને ફટકારવાની પૂરી ક્ષમતા ધરાવે છે.
શું રોહિત ઓસ્ટ્રેલિયામાં રમવા માટે તૈયાર નથી?
જો રોહિતના આઉટ થવાનો વિડિયો જોવામાં આવે તો એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, તેણે આ શોર્ટ બોલને વહેલો મારવાનો પ્રયાસ કર્યો હતો. પરિણામે તે આઉટ થઇ ગયો હતો. આ સ્થિતિમાં સવાલ એ થાય છે કે રોહિતને એવું તો શું થયું હતું? શું તે ખરેખર ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમવા માટે તૈયાર નથી? જો રોહિત ઇચ્છતો હોત તો ઓસ્ટ્રેલિયાના ટોપ ઓર્ડર પાસેથી શીખી શક્યો હોત, જે પહેલી ઇનિંગમાં પિચ પર ટકી રહ્યા હતા. પહેલા વધુ બોલ રમ્યા અને પછી રન બનાવ્યા હતા. પરંતુ ઉતાવળમાં શોટ રમવાના પ્રયાસમાં રોહિત ફરી એકવાર પેટ કમિન્સનો હાથે આઉટ થઇ ગયો હતો.
પેટ કમિન્સે સામે રોહિત ઘૂંટણીયે
જ્યારે રોહિત એડિલેડ અને બ્રિસ્બેનમાં નીચલા ક્રમમાં બેટિંગ કરવા આવ્યો હતો. અને તે મેલબોર્ન ટેસ્ટમાં ઓપનિંગ કરવા આવ્યો હતો. તેની પાસેથી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે તે યશસ્વી સાથે મળીને ટીમ માટે મજબૂત શરૂઆત કરશે. પરંતુ આ તમામ આશાઓ પર પેટ કમિન્સે પાણી ફેરવતા રોહિતને આઉટ કતી દીધો હતો. રોહિતે માત્ર 5 બોલનો સામનો કરી 3 રન બનાવ્યા હતા. રોહિતે અત્યાર સુધી BGT સીરિઝની 4 ઇનિંગ્સમાં કુલ 22 રન બનાવ્યા હતા. રોહિતની વાત કરીએ તો તે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ સામે નબળો પડી જાય છે. અત્યાર સુધી બંને 13 ટેસ્ટ ઇનિંગ્સમાં એકબીજાનો સામનો કરી ચૂક્યા છે. જેમાં રોહિતે કુલ 199 બોલ રમ્યા છે. રોહિતે આ 199 બોલમાં 127 રન બનાવ્યા હતા. પરંતુ આ દરમિયાન કમિન્સે રોહિતને 7 વખત આઉટ કર્યો હતો.
14 ઈનિંગમાં ફક્ત 11ની સરેરાશથી રન કર્યા
કમિન્સ સામે રોહિતની બેટિંગ સરેરાશ માત્ર 18.14 રહી છે. એક કેપ્ટન તરીકે કમિન્સે 5 વખત રોહિતને આઉટ કર્યો છે. રોહિતે ટેસ્ટમાં છેલ્લી સદી માર્ચ 2024માં ઇંગ્લેન્ડ સામે ધર્મશાળામાં ફટકારી હતી. ત્યારે તેણે 103 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ રોહિતે 14 ઇનિંગ રમી હતી. જેમાં તેણે માત્ર એક જ અડધી સદી ફટકારી હતી. અને 155 રન બનાવ્યા હતા. જેમાં તેની સરેરાશ 11.07 રહી હતી.