અટકળોનો અંત? IPL 2025માં આ ટીમમાંથી રમશે રોહિત શર્મા, MIએ આપ્યા સંકેત

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
અટકળોનો અંત? IPL 2025માં આ ટીમમાંથી રમશે રોહિત શર્મા, MIએ આપ્યા સંકેત 1 - image

Mumbai Indians, Rohit Sharma: આગામી IPL 2025ના મેગા ઓક્શન પહેલા રોહિત શર્માને લઈને ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. તેની પાછળનું સૌથી મોટું કારણ ગત સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં કેપ્ટનશીપને લઈને થયેલો વિવાદ છે. 2024ની આઈપીએલ સિઝનમાં મુંબઈનું સુકાન ટીમના તત્કાલીન કેપ્ટન રોહિત શર્માને બદલે હાર્દિક પંડ્યાને આપવામાં આવ્યું હતું. 

રોહિત મુંબઈ ઇન્ડિયન્સમાં જ રહેશે

હવે આગામી સિઝનને લઈને ચાહકો એ જાણવા ઉત્સુક છે કે રોહિત શર્મા આ વખતે મુંબઈ ઈન્ડિયન્સમાં રહેશે કે પછી કોઈ અન્ય ટીમમાં જશે. હવે તેને લઈને એક નવો દાવો કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, ફ્રેન્ચાઇઝી સાથેના તેના તમામ વિવાદો ઉકેલાઈ ગયા છે.  ફ્રેન્ચાઇઝીએ રોહિતને ટીમમાં રિટેન કરવાની મંજૂરી આપી દીધી છે. રોહિતે પણ નક્કી કરી લીધું છે કે તે મુંબઈમાં જ રહેશે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

આ પણ વાંચો: IPL 2025: રાહુલ દ્રવિડની ફરી IPLમાં એન્ટ્રી! આ ટીમમાં મળી મોટી જવાબદારી

રોહિત શર્મા અમારા પરિવારનો મહત્વપૂર્ણ સભ્ય

મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2024 પહેલા ગુજરાત ટાઈટન્સના તત્કાલીન કેપ્ટન હાર્દિક પંડ્યાને ઓક્શન દ્વારા ટીમમાં સામેલ કર્યો હતો. સુત્રો અનુસાર આ માટે ફ્રેન્ચાઈઝીએ પંડ્યાને 100 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ ચૂકવી હતી. જોકે, આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. ત્યારબાદ જ્યારે ફ્રેન્ચાઇઝીએ અચાનક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવ્યો ત્યારે ચાહકો ખૂબ નારાજ થઇ ગયા હતા. અહીંથી જ ફ્રેન્ચાઇઝીના રોહિત સાથેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. જો કે હવે સુત્રોના જણાવ્યા અનુસાર તમામ વિવાદોનો ઉકેલ આવી ગયો છે. મુંબઈએ કહ્યું છે કે રોહિત શર્મા અમારા પરિવારનો મહત્વપૂર્ણ સભ્ય છે, અને અમે તેને રિટેન કરવા માટે તૈયાર છીએ.

2013ની આઈપીએલમાં રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ સોંપાઈ હતી. તેના નેતૃત્વમાં તેણે 2015, 2017, 2019 અને 2020માં મુંબઈએ આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. જો કે ત્યારબાદ 3 વર્ષ સુધી ટીમ આઈપીએલની ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી હતી. પછીથી રોહિતે કેપ્ટનશીપ ગુમાવી દીધી હતી.

પરંતુ તેને કેપ્ટન બનાવાશે નહીં

રોહિત શર્મા 2022માં ભારતીય ટીમનો કેપ્ટન બન્યો હતો. તેના વડપણ હેઠળ ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને 2023ના વનડે વર્લ્ડકપની ફાઈનલ સુધી પહોંચી હતી. અને તાજેતરમાં જ ટીમે T20 વર્લ્ડકપ 2024 પોતાના નામે કર્યો હતો. હવે દાવો કરવામાં આવી રહ્યો છે કે રોહિતની આ મોટી સફળતા બાદ ફ્રેન્ચાઇઝી તેને રિટેન કરશે, પરંતુ આગામી સિઝન માટે તેને કેપ્ટન બનાવશે નહીં. ભવિષ્યમાં હાર્દિક પંડ્યા જ ટીમનું નેતૃત્વ કરતો રહેશે.

અટકળોનો અંત? IPL 2025માં આ ટીમમાંથી રમશે રોહિત શર્મા, MIએ આપ્યા સંકેત 2 - image


Google NewsGoogle News