Ind Vs Aus: રોહિત શર્મા આઉટ, બુમરાહ કેપ્ટન, સિડની ટેસ્ટમાં આ ખેલાડીની થશે એન્ટ્રી: રિપોર્ટ
Rohit Sharma Will Out From Sydney Test IND vs AUS: ટીમ ઈન્ડિયા પાસે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT 2024)માં પોતાનું સ્થાન બચાવવાની અંતિમ તક છે. જો કે, આ ટેસ્ટ મેચ પહેલાં ઈન્ડિયા ટીમમાં અનેક ફેરફારો થવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. કેપ્ટન રોહિત શર્માને ટીમમાંથી બહાર કરવા તેમજ તેના સ્થાને બુમરાહને કેપ્ટન બનાવવાની અટકળો ચાલી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિતે આ ટેસ્ટ સીરિઝમાં ખરાબ પ્રદર્શન આપતાં તેને અંતિમ મેચમાં ટીમમાંથી બહાર કરવાની ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારે તેના સ્થાને જસપ્રીત બુમરાહને ટીમનું નેતૃત્વ સોંપવાના અહેવાલો મળ્યા છે.
ગંભીર અને શર્મા વચ્ચે વિવાદ?
મેલબર્ન ટેસ્ટમાં ભારતની હાર બાદ હેડ કોચ ગૌતમ ગંભીર અને ખેલાડીઓ વચ્ચે ડ્રેસિંગ રૂમમાં બોલાચાલી થઈ હોવાની અટકળો પણ વહેતી થઈ છે. તેમજ રોહિત શર્મા અને ગંભીર વચ્ચે અણબનાવ બનતાં તેને ટીમમાંથી આઉટ કરવાનો સંકેત પણ ક્રિકેટ દિગ્ગજો અને ચાહકો આપી રહ્યા છે.
ગંભીરે આપ્યા આ જવાબ
ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ સાથે વિવાદને ગંભીરે અફવા ગણાવ્યો છે. તેમજ રોહિત શર્માનું પ્લેઈંગ ઈલેવન ટીમમાં સ્થાન મુદ્દે કોઈ સ્પષ્ટતા ન કરતાં કહ્યું હતું કે, સિડનીની પીચ જોયા બાદ પ્લેઇંગ ઈલેવનનો નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચોઃ કેપ્ટન રોહિત શર્મા સિડની ટેસ્ટમાંથી ડ્રોપ થશે? ગૌતમ ગંભીરના ગોળ-ગોળ જવાબે ચર્ચા જગાવી
ગંભીરે શું કહ્યું
પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે રોહિત શર્મા વિશે સવાલ પૂછવામાં આવ્યો કે, શું રોહિત શર્મા આવતીકાલે સિડની ટેસ્ટ રમશે? આ અંગે ગૌતમ ગંભીરે કહ્યું કે ‘અમે આવતીકાલે ટોસ સમયે પિચ જોયા બાદ પ્લેઇંગ 11 નક્કી કરીશું. ગંભીરે એમ પણ કહ્યું કે તેણે સિનિયર બેટ્સમેન વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા સાથે ટેસ્ટ મેચ જીતવાની રણનીતિ સિવાય કોઈ વાત પર ચર્ચા કરી નથી. દરેક વ્યક્તિ જાણે છે કે કયા ક્ષેત્રમાં કામ કરવું જોઈએ. અમે તેની સાથે માત્ર એક જ વાત કરી છે અને તે છે ટેસ્ટ મેચ કેવી રીતે જીતવી.’
રોહિત ટેસ્ટમાંથી પણ લેશે નિવૃત્તિ...
મીડિયા સાથે વાત કરતાં દિગ્ગજ પૂર્વ ખેલાડી સુનીલ ગાવસ્કરે રોહિત શર્માની નિવૃત્તિ અંગે મોટી ભવિષ્યવાણી કરી હતી, તેણે કહ્યું હતું કે ‘રોહિત શર્મા જે રીતે ફોર્મમાં છે અને પોતાની વિકેટ ગુમાવી રહ્યો છે, મને લાગે છે કે રોહિત ટેસ્ટ પછી સિડની ટેસ્ટમાંથી નિવૃત્તિ લેશે. ક્રિકેટ અને ટીમ મેનેજમેન્ટે WTC 2027 માટે પણ ટીમ તૈયાર કરવી જોઈએ.’