તો શું રોહિત મુંબઈ ઈન્ડિયન્સ છોડીને કોલકાતામાં જોડાશે?, પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો દાવો
IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝન હવે ધીમે ધીમે તેની ટોચ તરફ આગળ વધી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ બોલર વસીમ અકરમે (wasim akram) રોહિત શર્માને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલરે દાવો કરતા કહ્યું કે હિટમેન આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિન્સ (Mumbai Indians) છોડી દેશે.
રોહિત આગામી સિઝનમાં MIની ટીમમાં સામેલ નહીં હોય : અકરમ
મુંબઈ ઈન્ડિયન્સે આ સિઝન પૂર્વે જ રોહિત શર્મા (Rohit Sharma)ને કેપ્ટન તરીકે દૂર કરીને હાર્દિક પંડ્યા (Hardik Pandya)ને સુકાન સોંપ્યું હતુ. જોકે તેની સામે ચાહકોએ ઉગ્ર નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે હવે ભૂતકાળમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (kolkata knight riders)ની ટીમ સાથે જોડાયેલા રહેલા પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપમાં ફેરબદલ અંગે ચિંતા વ્યક્ત કરી છે. અકરમે દાવો કર્યો છે કે રોહિત આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિન્સનો ભાગ નહીં હોય. જો તેમ થાય તો હું રોહિતને કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ તરફથી રમતો જોવા ઈચ્છું છું.
તો કોલકાતાની બેટિંગ મજબૂત થઈ જાય
આ ઉપરાંત પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું હતું કે 'કલ્પના કરો કે રોહિત કોલકાતાની ટીમ તરફથી ઓપનિંગમાં ઉતરે. ત્યાં ગૌતમ ગંભીર મેન્ટર તરીકે છે અને શ્રેયસ ઐયર કેપ્ટન છે. જો આમ થાય તો કોલકાતાની બેટિંગ કેટલી મજબૂત થઈ જાય. રોહિત કોલકાતાની જ નહીં, કોઈ પણ પીચ પર અસરકારક બેટિંગ કરી શકે છે. તે મહાન ખેલાડી છે. મને તે કોલકાતાની ટીમમાં હોય તેવું ગમશે.' મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકેની વિદાય અંગેના પ્રશ્નમાં અગાઉ રોહિત શર્માએ જણાવ્યું હતુ કે, જુઓ, આવું તો જિંદગીમાં ચાલ્યા કરે. બધુ તમારા ધાર્યા પ્રમાણે ના પણ થાય. જોકે આ અનુભવ યાદગાર રહ્યો હતો.
મુંબઈ પ્લેઓફની રેસમાંથી બહાર
પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ આઠ પોઈન્ટ સાથે નવમા સ્થાને છે. બુધવારે હૈદરાબાદે લખનઉને હરાવીને પ્લેઓફની રેસમાં પોતાની સ્થિતિ મજબૂત કરી અને મુંબઈને બહાર કરી દીધું હતું. એક ટીમ મહત્તમ 12 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. મુંબઈનો નેટ રન રેટ પણ ઘણો ઓછો છે. પ્લેઓફમાં પહોંચવા માટે 12 પોઈન્ટ પૂરતા નથી. MIએ તેમના છઠ્ઠા IPL ટાઇટલ માટે વધુ રાહ જોવી પડશે. મુંબઈની ટીમે 2020માં પાંચમી IPL ટ્રોફી જીતી હતી.