ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં આ કામ માટે રોહિત શર્માએ જવું પડશે પાકિસ્તાન? શું કરશે BCCI?
Champions Trophy 2025, Rohit Sharma : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને સંપૂર્ણપણે પોતાના ઘરઆંગણે યોજવા ઇચ્છતું હતું. પરંતુ PCBના બધા જ પ્રયાસ નિષ્ફળ ગયા હતા. બાદમાં ICC એ હાઇબ્રિડ મોડેલ પર ટુર્નામેન્ટનું આયોજન કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ આ દરમિયાન કૅપ્ટન રોહિત શર્માને પાકિસ્તાન જવાની ફરજ પડી શકે છે. આ સમાચારે સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) કે જેણે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો તે રોહિતને પાકિસ્તાન જવાની મંજૂરી આપશે કે નહીં?
રોહિતને કેમ પાકિસ્તાન જવું પડશે?
અગાઉ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનના હાથમાં હતું. પરંતુ BCCI અને PCB વચ્ચેના મતભેદોને કારણે હવે ભારત પોતાની બધી મેચ દુબઈમાં રમશે. જો કે, ટુર્નામેન્ટ પહેલા બધા કૅપ્ટનોને ચેમ્પિયન્સ ટ્રોફીના ફોટોશૂટ માટે પાકિસ્તાન જવું પડી શકે છે. કૅપ્ટન રોહિત શર્મા પણ આ યાદીમાં સામેલ છે. પાકિસ્તાની મીડિયા દાવો કરી રહ્યું છે કે રોહિત પાકિસ્તાન આવશે.
પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો રોહિત પાકિસ્તાન આવશે
પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલે એક અહેવાલમાં દાવો કર્યો હતો કે, રોહિત શર્મા ફોટોશૂટ માટે પાકિસ્તાન આવી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો રોહિત શર્મા ફોટોશૂટ અને પ્રેસ કોન્ફરન્સનો ભાગ બનશે તો તેનાથી બંને દેશો વચ્ચેનો તણાવ ઓછો થઈ શકે છે. જો કે, હજુ સુધી કૅપ્ટન રોહિત શર્માની પાકિસ્તાન મુલાકાતની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
આ પણ વાંચોઃ ગૌતમ ગંભીર અને રોહિત શર્મા વચ્ચે અણબનાવ? BCCIના ઉપાધ્યક્ષે આપ્યું મોટું નિવેદન
19 ફેબ્રુઆરીથી શરૂ થશે ચેમ્પિયન્સ ટ્રોફી
અહીં તમને જણાવી દઈએ કે ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરુ થવાની છે. ભારતીય ટીમ 22 ફેબ્રુઆરીથી બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરુઆત કરશે. BCCI ટૂંક સમયમાં ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરશે. જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.