કોહલી-રોહિત અને આ ગુજરાતી ખેલાડીઓનું ટેસ્ટ ક્રિકેટ કરિયર ખતમ થવાના આરે! વહેલા મોડા લેવી જ પડશે નિવૃત્તિ
Border Gavaskar Trophy : ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25માં ભારતીય ટીમની 3-1થી કારમી હાર થઇ છે. મોટાભાગના ભારતીય ખેલાડીઓ માટે આ સીરિઝ ઘણી ખરાબ રહી હતી. જસપ્રીત બુમરાહને બાદ કરતાં કોઈ પણ ભારતીય ખેલાડી સીરિઝમાં સતત સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. હવે ભારતીય ટીમે આગામી ટેસ્ટ સીરિઝ 5 મહિના પછી રમવાની છે. હવે માનવામાં આવી રહ્યું છે કે આ સમયગાળા દરમિયાન ભારતીય ટીમ પરિવર્તનના સમયગાળામાંથી પસાર થશે. તે જ સમયે, આગામી ઓસ્ટ્રેલિયન પ્રવાસ સુધીમાં ભારતીય ટીમ સંપૂર્ણપણે બદલાઈ જશે. આ સ્થિતિમાં ભારતીય ટીમમાં 3 એવા ખેલાડીઓ છે જે કદાચ આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટેસ્ટ સીરિઝ રમતા જોવા મળશે.
આ 3 ખેલાડીઓ માટે આગમી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રમવું મુશ્કેલ
હકીકતમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વારાફરતી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનું આયોજન કરે છે. એટલે કે આગામી વર્ષ 2026-27ની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનું આયોજન ભારત કરશે. ત્યારબાદ વર્ષ 2028-29માં ભારતીય ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. ત્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા ભાગ્યે જ ભારતીય ટીમનો ભાગ હશે. આ ખેલાડીઓની ઉંમરને જોતા હવે લાગી રહ્યું છે કે તેઓ તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીના અંતિમ તબક્કામાં છે અને આગામી ઑસ્ટ્રેલિયન પ્રવાસ સુધીમાં આ ખેલાડીઓ ક્યાંકને ક્યાંક ખાસ કરીને ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઇ શકે છે.
વધતી ઉંમર સાથે ખેલાડીઓની કારકિર્દી
અહીં તમને જણાવી દઈએ કે, રોહિત શર્માએ હાલમાં જ કહ્યું હતું કે તે અત્યારે ટેસ્ટમાંથી સંન્યાસ લઈ રહ્યો નથી. એટલે કે તે હાલ ટેસ્ટમાં રમવાનું ચાલુ રાખશે. પરંતુ રોહિત વર્ષ 2028-29 સુધી ટેસ્ટમાં રમવાનું ચાલુ રાખે તેવી શક્યતા ઓછી છે. તે હાલમાં 37 વર્ષનો છે અને આગામી ઓસ્ટ્રેલિયન પ્રવાસ સુધીમાં તે 41 વર્ષનો થઈ જશે. તો બીજી તરફ વિરાટ કોહલી હાલમાં 36 વર્ષનો છે અને તે આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ સુધીમાં 40 વર્ષનો થઈ જશે. બીજી તરફ રવીન્દ્ર જાડેજા પણ આ વર્ષે 36 વર્ષનો થઈ ગયો છે અને તે પણ વર્ષ 2028-29ના પ્રવાસ સુધીમાં 40 વર્ષનો થઈ જશે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ફ્લોપ
હાલની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે ઘણી ખરાબ રહી હતી. વિરાટ 5 મેચની 9 ઇનિંગ્સમાં માત્ર 190 રન જ બનાવી શક્યો હતો. જેમાં 1 સદી સામેલ હતી. આ સિવાય બાકીની 8 ઇનિંગ્સમાં તે એક પણ વખત 50 રનનો આંકડો સ્પર્શી શક્યો ન હતો. બીજી તરફ રોહિત શર્માએ 3 મેચની 5 ઇનિંગ્સમાં માત્ર 31 રન બનાવ્યા હતા. આ રન રોહિતે 6.20ની નબળી સરેરાશથી બનાવ્યા હતા. બીજી તરફ રવીન્દ્ર જાડેજાએ 3 મેચની 5 ઇનિંગ્સમાં 27.00ની સરેરાશથી 135 રન બનાવ્યા હતા. જેમાં 1 અડધી સદી પણ સામેલ હતી. જાડેજાએ આ સીરિઝ દરમિયાન 4 વિકેટ લીધી હતી.