ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની અગ્નિપરીક્ષા, હાર્યા તો ગંભીર પર પણ લેવાઈ શકે છે એક્શન
Rohit Sharma & Virat Kohli in Champions Trophy : આગામી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કુલ 8 ટીમો વચ્ચે ખિતાબ જીતવા માટે જંગ જામશે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ સાથે ટુર્નામેન્ટનો શુભારંભ થશે. ભારતીય ટીમ પોતાની બધી મેચ દુબઈમાં રમશે. જ્યારે અન્ય ટીમો પાકિસ્તાનમાં મેચ રમશે. પાકિસ્તાનમાં સન 1996ના વર્લ્ડકપ બાદ પહેલી વખત કોઈ ICC ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ યોજાશે. ક્રિકેટ ચાહકો બંને ટીમો વચ્ચેના હાઈવોલ્ટેજ મેચની ઘણાં સમયથી રાહ જોઈ રહ્યા હતા.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની અગ્નિપરીક્ષા
આ ટુર્નામેન્ટમાં બધાની નજર કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટર વિરાટ કોહલી પર રહેશે. કહેવાઈ રહ્યું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી તેમની કારકિર્દીની અંતિમ ટુર્નામેન્ટમાની એક હોઈ શકે છે. બંને ખેલાડી વિજય સાથે પોતાની કારકિર્દીને સમાપ્ત કરવા ઈચ્છશે. જો આ ટુર્નામેન્ટમાં રોહિત અને કોહલી ખરાબ દેખાવ કરે છે તો ભવિષ્યમાં ટેસ્ટ ક્રિકેટમાં સ્થાન મેળવવું તેમના માટે અઘરું બની જશે. જુનમાં ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા આ દિગ્ગજ ક્રિકેટરોને ટીમમાં સ્થાન આપવું કે નહિ તેને લઈને અનિશ્ચિતતા હતી.
તો મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર એક્શન લેવાઈ શકે
જો ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સારો દેખાવ કરવામાં નિષ્ફળ જાય છે તો ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર એક્શન લેવામાં આવી શકે છે. ઈંગ્લેન્ડ સામેની ઘરેલું સીરિઝમાં ગંભીરને ભલે રાહત મળી ગઈ હોય પરંતુ ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની હારની યાદો હજુ ટીમ મેનેજમેન્ટને યાદ છે. તેથી આ ચેમ્પિયન્સ ટ્રોફી ગંભીર માટે ખૂબ મહત્ત્વપૂર્ણ રહેવાની છે. ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં વર્ષ 2013 બાદ કોઈપણ આંતરરાષ્ટ્રીય વનડે ટુર્નામેન્ટ જીતી નથી.
ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાની ભારત પ્રબળ દાવેદાર
ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીને જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. પરંતુ એક ખરાબ પ્રદર્શન ટીમનું સમીકરણ બગાડી શકે છે. આવું જ વર્લ્ડકપ 2023ની ફાઈનલમાં થયું હતું. એ સમયે પૂરી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ છેલ્લે દબાણમાં આવી જતા ટીમે ટ્રોફી ગુમાવવી પડી હતી.