Video: રોહિત શર્મા કરી રહ્યો છે વધુ એક ટ્રોફી જીતવાની તૈયારી, જુઓ ક્યાં લગાવી દોડ
Rohit Sharma Video: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા શ્રીલંકા સામેની શ્રેણી બાદ એક લાંબા બ્રેક પર છે. શ્રીલંકામાં વનડે શ્રેણી રમીને ઘરે પરત ફર્યા બાદ ધુરંધર બેટર હવે પ્રેક્ટિસના મેદાનમાં પાછો ફર્યો છે. રોહિત શર્માનો વીડિયો સામે આવી રહ્યો છે જેમાં તે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીની તૈયારી કરતો જોવા મળી રહ્યો છે. આ શ્રેણી આવતા મહિનાથી શરૂ થવાની છે અને તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાશે. ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચે તેવી શક્યતા છે. હાલના સંજોગોમાં ઓસ્ટ્રેલિયા અને ભારત જ ફાઇનલ રમે તેવી શક્યતા જણાય છે. ભારત માટે આ શ્રેણી પણ મહત્વની રહેશે અને તેમાં બુમરાહ, રોહિત, વિરાટ સહીતના ધુરંધરો રમતા દેખાશે.
રોહિતનો વીડિયો થયો વાયરલ
ICC T20 વર્લ્ડ કપ જીત્યા બાદ હવે ભારતીય કેપ્ટન રોહિત શર્મા હવે વધુ બે ટ્રોફી જીતવા પર નિશાન સાધી રહ્યો છે. બે વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચીને અને ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમને રોહિત શર્મા આ વખતે ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવવા માંગે છે. હાલમાં તે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટેબલમાં ટોપ પર રહેલી ભારતીય ટીમને ફાઇનલમાં લઈ જવા ઇચ્છશે.
આવતા મહિને ભારતે પહેલા બાંગ્લાદેશ અને પછી ન્યુઝીલેન્ડ સાથે ઘરઆંગણે રમવાનું છે. બંને શ્રેણી ભારતની દાવેદારી મજબૂત કરવા માટે મહત્વની સાબિત થશે. એવામાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે ભારતીય ટીમના આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર સાથે પ્રેક્ટિસ માટે જતો જોવા મળ્યો હતો. આ સિવાય વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે મેદાનની બહાર દોડતો અને પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે. ફેન્સ આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી રહ્યા છે. કેટલાક લોકો આ દરમિયાન કેપ્ટનનો વીડિયો પણ બનાવતા જોવા મળે છે.
19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઈમાં રમાશે. બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે.
ત્યાર બાદ ભારતીય ટીમ 16 ઓક્ટોબરથી બેંગ્લોરમાં ન્યૂઝીલેન્ડ સાથે પ્રથમ ટેસ્ટ મેચ રમવાની છે. બંને ટીમો વચ્ચે બીજી મેચ 26 ઓક્ટોબરે પુણેમાં રમાશે. શ્રેણીની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચ 1 નવેમ્બરથી મુંબઈમાં રમાશે.