હવે ભારત આવો ત્યારે તમારું મોઢું બંધ રાખજો : આફ્રિકામાં રોહિત શર્મા ભડક્યો
ભારતે પાંચ સેશનની અંદર જ બીજી ટેસ્ટ જીતીને બે મેચની સીરિઝ 1-1થી બરાબર કરી
સાઉથ આફ્રિકા સામે રમવું હંમેશા પડકારજનક : રોહિત શર્મા
Image : Screen grab |
Rohit Sharma on Cape Town Pitch : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રામાયેલી બે ટેસ્ટ મેચની સીરિઝની બીજી અને છેલ્લી મેચ પુરા બે દિવસ પણ ચાલી શકી ન હતી. ઝડપી અને બાઉન્સવાળી પીચ પર વિકેટોનો વરસાદ જોવા મળ્યો હતો જેના કારણે મેચનું રિઝલ્ટ ફક્ત દોઢ દિવસમાં જ આવી ગયું હતું. સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝ ન જીતવાની પીડા રોહિત શર્માના ચહેરા પર દેખાઈ હતી, જો કે તેમણે કહ્યું હતું કે કેપટાઉનમાં મળેલી ઐતિહાસિક જીત માટે ગર્વ અનુભવશે.
સાઉથ આફ્રિકા સામે રમવું હમેશા પડકારજનક : રોહિત શર્મા
ભારતે સીરિઝની પેહલી ટેસ્ટ મેચમાં એક ઇનિંગ અને 32 રને હારનો સામનો કર્યા બાદ શાનદાર વાપસી કરતા પાંચ સેશનની અંદર જ બીજી ટેસ્ટ જીતીને બે મેચની સીરિઝ 1-1થી બરાબર કરી હતી. રોહિતે મેચ પુરો થયા બાદ કહ્યું હતું કે અમને ભારતની બહાર અમારા પ્રદર્શન પર ગર્વ છે. સાઉથ આફ્રિકા સામે રમવું હંમેશા પડકારજનક છે અને અમે અહીં આવીને જીતીને ગર્વ અનુભવી શકીએ છીએ. આ ઉપરાંત તેમણે કહ્યું હતું આ મેચ જીતવા માટે અમારી પાસે કેટલીક યોજનાઓ હતી જેનો ફાયદો ખેલાડીઓને મળ્યો હતો. આ સિવાય તેણે કહ્યું હતું કે મેચમાં બોલરોએ ખુબ જ સારુ પ્રદર્શન કર્યું હતું.
રોહિત શર્માનું પીચને લઈને આકરુ વલણ
ભારતીય કેપ્ટન રોહિત શર્માનું પિચને લઈને વલણ પણ થોડું કઠોર હતું. રોહિત શર્માએ ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા (ICC)ને આ મામલે સમાન વલણ અપનાવવા વિનંતી કરી હતી અને આકરા અદાંજમાં વધુમાં કહ્યું હતું કે મને આવી પીચો પર રમવા કોઈપણ પ્રકારની સમસ્યા નથી જ્યાં સુધી ભારત આવતા અને અમારી પીચ પર રમનારા તમામ લોકો તેમનું મોઢું બંધ રાખે અને કોઈ પણ પ્રકારની ફરિયાદ ન કરે. અમે અહીં બાઉન્સી પીચો પર રમીએ છીએ તેમ છતાં કોઈ ફરિયાદ કરતા નથી, તેથી ભારતીય પીચો પર રમનારાઓએ પણ પોતાનું મોં બંધ રાખવું જોઈએ.