VIDEO : મેદાનમાં જ રડી પડ્યા કેપ્ટન રોહિત શર્મા, કહ્યું- 'આજે અમારો દિવસ ન હતો, હું સ્વીકારું છું કે...'
ICC વર્લ્ડ કપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી હરાવ્યું
જેટલા રન કરવા જોઈતા હતા એટલા બન્યા નહીં જેનાથી ફાઈનલ મેચ લડાયક ન રહી : રોહિત
ICC વર્લ્ડ કપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયા 6ઠ્ઠી વખત વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું છે. તો બીજી તરફ કરોડો ભારતીયોનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું તૂટ્યું છે. આ વચ્ચે હાર બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી મેદાનમાં જ રડી પડ્યા હતા.
કરારી હાર બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા પોતાના આંસૂ ન રોકી શક્યા. ફાઈનલ મેચના પ્રેઝેન્ટેશનમાં કેપ્ટનના ચેહરા પર હારની નિરાશા સ્પષ્ટ જોવા મળી. ચેમ્પિયન ન બનવાથી ચૂકેલા રોહિતે કહ્યું કે, આજે કદાચ અમારો દિવસ ન હતો. પરિણામ અમારા પક્ષમાં ન આવ્યું, પરંતુ અમે જે પ્રયાસ કર્યો તેના માટે મને મારી ટીમ પર ગર્વ છે, જે રીતે અમે આખા ટૂર્નામેન્ટમાં રમ્યા. અમે 20-30 રન ઓછા રહી ગયા. જ્યારે રાહુલ અને વિરાટ 25 ઓવરની આસપાસ બેટિંગ કરી રહ્યા હતા ત્યારે અમે વિચાર્યું હતું કે 270-80 રન પાર સ્કોર હોત. થોડા વધારે રન હોત તો પરિણામ અલગ હોત.
અમે સ્વીકારીએ છીએ કે આજે અમારી બેટિંગ સારી ન રહી : રોહિત શર્મા
રોહિતે વધુમાં કહ્યું કે, શરૂઆતમાં ત્રણ વિકેટ લીધા બાદ અમે જે સંભવ બની શકે તે કર્યું, પરંતુ હેડ અને લાબુશેન મેચને અમારાથી દૂર લઈ ગયા. પિચ અન્ડરલાઈટ્સ બાદમાં બેટિંગ માટે સારી થઈ ગઈ. અમે પિચનું બહાનું બનાવી શકતા હતા પરંતુ અમે એવું માનવું પડશે કે અમે બોર્ડ પર જરૂરી રન સ્કોર કરવા લાયક બેટિંગ ન કરી. અમે સ્વીકારીએ છીએ કે આજે અમારી બેટિંગ સારી ન રહી. જેટલા રન કરવા જોઈતા હતા એટલા બન્યા નહીં જેનાથી ફાઈનલ મેચ લડાયક ન રહી.