હાર્દિકને મળ્યો રોહિતનો સાથ, હૂટિંગ કરનારા ચાહકોને શાંત રાખવા પૂર્વ કેપ્ટને જોડ્યા હાથ
Image:IANS |
Rohit Sharma : મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યા બાદ હાર્દિક પંડ્યા માટે કંઈ જ ઠીક થઈ રહ્યું નથી. સિઝનની પ્રથમ મેચથી દરેક સ્ટેડિયમમાં હાર્દિક સામે હૂટિંગ થઇ રહ્યું છે. તેની ટીમ પણ સતત હારનો સામનો કરી રહી છે. હાર્દિક અમદાવાદ અને હૈદરાબાદ બાદ તેના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં ઉતર્યો હતો. ત્યાં પણ ચાહકોએ હૂટિંગ કર્યું હતું. રોહિત શર્માને કેપ્ટનશિપમાંથી હટાવવાના કારણે ચાહકો સૌથી વધુ નારાજ છે.
પૂર્વ ક્રિકેટરે પણ દર્શકોને સમજાવ્યા
વાનખેડે સ્ટેડિયમમાં ટોસના સમયથી જ ચાહકો હાર્દિક પંડ્યાને ચીડવતા હતા. ટોસ સમયે સંજય માંગરેકરે પણ દર્શકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સની ફિલ્ડિંગ વખતે પણ પરિસ્થિતિ બદલાઈ ન હતી. હાર્દિકના સ્ક્રીન પર આવતાની સાથે જ ચાહકો હૂટિંગ કરતા હતા. આવી સ્થિતિમાં રોહિત શર્માએ દર્શકોને શાંત રહેવા કહ્યું હતું. બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડિંગ કરતી વખતે રોહિતે દર્શકોને બંને હાથ જોડીને શાંત રહેવાનો સંકેત આપ્યો હતો. આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખી શકાય છે કે ચાહકો આગામી મેચોમાં હાર્દિક પંડ્યા સામે હૂટિંગ નહીં કરે. રાજસ્થાન રોયલ્સ સામે બેટિંગ દરમિયાન હાર્દિકે કેટલાક સારા શોટ્સ રમ્યા હતા. આ દરમિયાન ચાહકો પણ તેને સપોર્ટ કરી રહ્યા હતા. પરંતુ પછી ફિલ્ડિંગ દરમિયાન તેણે મેદાનમાં કેચ છોડ્યા પછી ચાહકોએ પણ તેની સામે હૂટિંગ શરૂ કર્યું હતું.
રાજસ્થાનની સતત ત્રીજી જીત
લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટની જબરદસ્ત બોલિંગ બાદ રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટે હરાવ્યું હતું અને રિયાન પરાગની અણનમ ફિફ્ટીની મદદથી સતત ત્રીજી જીત નોંધાવી હતી. મુંબઈના 126 રનના ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે 15.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 127 રન બનાવીને જીત મેળવી હતી. આકાશ મધવાલે 20 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી પરંતુ તે મુંબઈને હારથી બચાવી શક્યો ન હતો.