રોહિતનો એડિલેડ માટે 'હિટ' પ્લાન, ઓપનિંગની મૂંઝવણ કરી દૂર, પિંક બોલ ડે નાઈટ ટેસ્ટ રોમાંચક બનશે
Image Source: Twitter
Rohit Sharma Press Conference: ભારત-ઓસ્ટ્રેલિયાની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ એડિલેડમાં 6 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. હવે રોહિતનો એડિલેડ માટેનો 'હિટ' પ્લાન સામે આવ્યો છે. કેપ્ટને ઓપનિંગની મૂંઝવણ દૂર કરી દીધી છે. પિંક બોલ ડે નાઈટ ટેસ્ટમાં રોહિત શર્મા મિડલ ઓર્ડરમાં રમશે. બીજી તરફ કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરશે.એડિલેડ ટેસ્ટ પહેલા આજે ટીમ ઈન્ડિયાના કેપ્ટને પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જ્યાં તેણે સ્પષ્ટ કરી દીધું છે કે, કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરશે અને હું બીજે ક્યાંક રમી લઈશ.
આવી સ્થિતિમાં એવું માનવામાં આવી રહ્યું છે કે, રોહિત શર્મા છઠ્ઠા નંબર પર ઉતરી શકે છે. તેણે છેલ્લી વાર 28 ડિસેમ્બર, 2018ના રોજ શરૂ થયેલી ઓસ્ટ્રેલિયા સામેની મેલબોર્ન ટેસ્ટમાં છઠ્ઠા નંબર પર બેટિંગ કરી હતી. ત્યારે તેણે 63 અને 5 રનની ઈનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયાએ તે ટેસ્ટ મેચ 137 રને જીતી હતી.
37 વર્ષીય રોહિતે છઠ્ઠા નંબર પર 16 ટેસ્ટની 25 ઈનિંગ્સમાં 54.57ની એવરેજથી 1037 રન બનાવ્યા છે. આ ક્રમમાં તેણે 3 સદી અને 6 અડધી સદી ફટકારી છે. તેનો સર્વોચ્ચ સ્કોર 177 રન રહ્યો હતો.
રોહિત કેમ મિડલ ઓર્ડરમાં રમશે?
એડિલેડ ટેસ્ટમાં રોહિત શર્મા વાપસી કરી રહ્યો છે, જ્યારે બીજી તરફ ઈજાના કારણે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થયેલ શુભમન ગિલનું પણ રમવાનું નિશ્ચિત છે. ભારતીય ટીમે પર્થમાં પ્રથમ ટેસ્ટ 295 રને પોતાના નામે કરી લીધી હતી. તે મેચમાં રોહિતની ગેરહાજરીમાં કેએલ રાહુલે યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરી હતી. રાહુલે પર્થમાં ઓપનર તરીકે 26 અને 77 રન બનાવ્યા હતા.
બીજી તરફ જયસ્વાલે પ્રથમ ઈનિંગમાં 0 રને આઉટ થયા બાદ બીજી ઈનિંગમાં શાનદાર 161 રન ફટકાર્યા હતા. આવી સ્થિતિમાં રાહુલ અને યશસ્વીને ઓપનિંગમાંથી હટાવવા બેકફાયર થઈ શકે છે. આ કારણોસર રોહિતે પોતે મિડલ ઓર્ડરમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: 37 છગ્ગા સાથે 349 રન ઝૂડ્યાં, T20માં ગુજરાતીઓની ટીમે રચ્યો ઇતિહાસ, રેકોર્ડબુક હચમચાવી
તે મેચમાં કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ ઓસ્ટ્રેલિયામાં એક ટેસ્ટ ઈનિંગ્સમાં 200 રન બનાવનારી પ્રથમ ભારતીય ઓપનિંગ જોડી બની ગઈ હતી. એકંદરે આવું પ્રથમ વાર બન્યું હતું. બંનેએ પ્રથમ વિકેટ માટે 201 રન જોડ્યા હતા.
ભારત માટે SENA દેશોમાં સૌથી વધુ ઓપનિંગ રન
13 - સુનીલ ગાવસ્કર, ચેતન ચૌહાણ vs ઈંગ્લેન્ડ, ધ ઓવલ, 1979
203 - વિજય મર્ચન્ટ, મુશ્તાક અલી vs ઈંગ્લેન્ડ, માન્ચેસ્ટર, 1936
201 - યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ vs ઓસ્ટ્રેલિયા, પર્થ (ઓપ્ટસ), 2024
191 - સુનિલ ગાવસ્કર, ક્રિસ શ્રીકાંત vs ઓસ્ટ્રેલિયા, સિડની, 1986
165 - સુનીલ ગાવસ્કર, ચેતન ચૌહાણ vs ઓસ્ટ્રેલિયા, મેલબોર્ન, 1981
ઓસ્ટ્રેલિયાની ટીમમાં બોલેન્ડની વાપસી
એડીલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં સ્કોટ બોલેન્ડ વાપસી થઈ રહી છે. બોલેન્ડ પોતાની છેલ્લી ટેસ્ટ મેચ ગત વર્ષે એશિઝ સિરીઝમાં રમ્યો હતો. તે ટીમમાં જોશ હેઝલવુડનું સ્થાન લેશે, જે પર્થમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સિરીઝની પ્રથમ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. એડિલેડમાં યોજાનારી આ મેચમાં પેટ કમિન્સે કહ્યું કે મિચેલ માર્શ એડિલેડ ડે-નાઈટ ટેસ્ટમાં બોલિંગ કરવા માટે ફિટ થઈ જશે.
બીજી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન: ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટ કીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.
એડિલેડ ટેસ્ટ માટે ભારતના સંભવિત પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.