99% વર્કઆઉટ અને 1% મસ્તી... 'હિટમેન'નો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં, યુઝર્સ પણ મસ્તીએ ચઢ્યા
Image: Instagram |
Rohit Sharma: T20 વર્લ્ડકપ 2024 જીત્યા બાદ લાંબા વિરામ બાદ ભારતીય ક્રિકેટ ટીમ આગામી બાંગ્લાદેશ સામેની સીરિઝ માટે ચેન્નાઈમાં એકત્ર થવા જઈ રહી છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચની સીરિઝ રમશે. પહેલી ટેસ્ટ મેચ ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાશે.
આરામના સમયગાળા દરમિયાન ટેસ્ટ સીરીઝમાં ભાગ લેનાર ઘણાં ખેલાડીઓએ ડોમેસ્ટિક ક્રિકેટ ટેસ્ટ રમીને આ સીરિઝ માટેની તૈયારી શરૂ કરી દીધી હતી. જ્યારે કેટલાકે પોતાની ફિટનેસ પર કામ કર્યું હતું. હવે રોહિત શર્માએ તેની ફિટનેસ ટ્રેનિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. રોહિત શર્માએ આ વીડિયો નીચે લખ્યું છે કે, '99 ટકા સમય વર્કઆઉટમાં જાય છે અને બાકીનો એક ટકા સમય આ રીતે પસાર થાય છે.'
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023-25ના પોઈન્ટ ટેબલમાં ભારત ટોપ પર છે. આ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ 2025માં 11 થી 15 જૂન દરમિયાન લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાશે. ભારત પહેલી બે સિઝનમાં ફાઇનલમાં પહોંચ્યું હતું. બાંગ્લાદેશ સામેની આ ટેસ્ટ સીરિઝ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ સીરિઝ જીતીને ભારત માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલનો રસ્તો સરળ બની શકે છે.