‘આ આજકાલના બાળકો….’ રોહિત શર્માએ જયસ્વાલ, સરફરાઝ અને ધ્રુવ જુરેલ માટે પોસ્ટ કરી સુંદર તસવીર
રાજકોટ ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું હતું
યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરતા 214 રન બનાવ્યા હતા
Image:Twitter |
Rohit Sharma Instagram Story : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ ભારતીય ક્રિકેટ ટીમ માટે ખૂબ જ ખાસ હતી. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં રનના મામલે ભારતીય ટીમની આ સૌથી મોટી જીત હતી. ભારતે રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ 434 રને જીતી લીધી હતી. રાજકોટમાં મેચ જીત્યા બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઈન્સ્ટાગ્રામમાં એક ખાસ સ્ટોરી શેર કરી હતી.
રોહિત શર્માએ શેર કરી બે તસવીરો
રોહિત શર્માએ રાજકોટ ટેસ્ટમાં જીતના બીજા દિવસે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર બે તસવીરો શેર કરી છે અને તેની સાથે એક લાઈન પણ લખી છે, જેને દરેક ક્રિકેટ ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. સરફરાઝ અને યશસ્વીની એક સાથે બેટિંગ કરતી તસવીર અને ધ્રુવ જુરેલના રનઆઉટની તસવીરનો કોલાજ શેર કરતા રોહિતે લખ્યું, 'આ આજકાલના બાળકો.'
યુવા ખેલાડીઓનો શાનદાર દેખાવ
કેપ્ટન રોહિત શર્મા ત્રીજી ટેસ્ટ મેચમાં જીતથી ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો હતો. ટીમના સિનિયર ખેલાડીઓની સાથે સાથે યુવા ખેલાડીઓએ પણ એવું પ્રદર્શન કર્યું જે લાંબા સમય સુધી યાદ રહેશે. સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલે આ મેચમાં ભારત માટે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. સરફરાઝે બંને ઇનિંગમાં ફિફ્ટી ફટકારી, ધ્રુવે 46 રન બનાવ્યા અને ખૂબ જ મહત્વપૂર્ણ રનઆઉટ પણ કર્યો. યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી હતી, જે આ સીરિઝમાં તેની સતત બીજી ટેસ્ટ બેવડી સદી હતી.