હવે રોહિતને ટેસ્ટમાં ક્યારેય નહીં મળે મોકો! વિરાટ સાથે પણ વાત કરશે BCCI, રવીન્દ્ર જાડેજાનું શું થશે?
Rohit sharma never get chance in Test! : રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, BCCI પસંદગીકારોએ રોહિતને કહી દીધું છે કે તેઓ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી પછી તેને ટેસ્ટ ફોર્મેટમાં રમાડવાનું વિચારી રહ્યા નથી. રોહિત અગાઉથી જ સિડની ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. રોહિતના ખરાબ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે રોહિત સાથે બેઠક યોજી હતી અને ત્યારપછી તેને છેલ્લી મેચમાં પડતો મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પસંદગીકારોએ રોહિત શર્મા સાથે બેઠક કરી
એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતીય ટીમમાં પરિવર્તન કરવાનો સમય શરુ થઈ ગયો છે. તેથી પસંદગીકારોએ રોહિત શર્મા સાથે બેઠક કરી અને તેની ટેસ્ટ કારકિર્દીના ભવિષ્ય વિશે બધું સ્પષ્ટ કરી દીધું હતું. હવે ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ તે વિરાટ કોહલી સાથે પણ વાત કરવા જઈ રહ્યો છે. તેમની સાથે પણ બેઠક યોજવામાં આવશે અને ટીમના ભવિષ્ય અને ફેરફારો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન તેમની યોજનાઓ પણ પૂછવામાં આવશે અને તે મુજબ તેમના ભવિષ્ય અંગે નિર્ણય લેવામાં આવશે.
શું થશે રવીન્દ્ર જાડેજાનું?
અગાઉ ટીમનો સિનિયર ખેલાડી આર. અશ્વિને આ પ્રવાસ દરમિયાન નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. મેલબર્ન ટેસ્ટને રોહિત શર્માની છેલ્લી મેચ માનવામાં આવી રહી છે અને હવે કોહલી સાથે પણ વાતચીત થવાની છે. જો કે, પસંદગીકારો આ ફેરફારમાં ટીમના અનુભવી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માની રહ્યા છે. તેઓ હાલમાં જાડેજાને ટેસ્ટ ક્રિકેટમાં ચાલુ રાખવાનું વિચારી રહ્યા છીએ. આનો અર્થ એ છે કે જાડેજા ટીમ સાથે જ રહેશે.
આ પણ વાંચો : ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્માને હટાવાય તો સ્ટાર ગુજરાતી ખેલાડી બનશે કેપ્ટન: રિપોર્ટ
સતત કંગાળ દેખાવને કારણે રોહિત ટીમથી બહાર થયો
રોહિત શર્મા બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ત્રણ ટેસ્ટ મેચોમાં નિષ્ફળ રહ્યો હતો. તે છેલ્લી 5 ઇનિંગ્સમાં માત્ર 31 રન જ બનાવી શક્યો હતો. જો કે, રોહિતને માત્ર આ કારણે ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો નથી. છેલ્લી બે ટેસ્ટ સીરિઝમાં રોહિત સતત ફ્લોપ રહ્યો હતો. રોહિત ન્યૂઝીલૅન્ડ અને બાંગ્લાદેશ સામે પણ રન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. છેલ્લી 8 ટેસ્ટમાં તે માત્ર એક જ અડધી સદી ફટકારી શક્યો હતો.