'રોહિત શર્મા કદાચ દુનિયાના સૌથી કમનસીબ આદમી છે', ઓસ્ટ્રેલિયાને જીતાડનાર ટ્રેવિસનું મોટું નિવેદન
ભારતીય ટીમ પાસે જે પ્રમાણેની અપેક્ષા હતી તે મુજબ પ્રદર્શન કરી શક્યા ન હતા
ટ્રેવિસ હેડે શાનદાર સદી ફટાકારીને ટીમને ચેમ્પિયન બનાવી હતી
Image : File pic |
Travis head on Rohit sharma : વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને છ વિકેટે પરાજય આપીને છઠ્ઠી વખત વિશ્વકપ પર કબજો કર્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે શાનદાર સદી ફટાકારીને ટીમને ચેમ્પિયન બનાવી હતી ત્યારે મેચ બાદ ટ્રેવિસ હેડે (Travis Head) ભારતીય કેપ્ટન રોહિત શર્માને દુનિયાનો સૌથી કમનસીબ માણસ કહ્યો હતો.
ભારતના ચાહકોને નિરાશા સાંપડી હતી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સુપર સન્ડે હાઈ-વોલ્ટેજ મેચમાં ભારતના ચાહકોને નિરાશા સાંપડી હતી. વર્લ્ડ કપ 2023માં લિગ મેચ અને સેમિફાઈનલ સહિત 10 મેચમાં અજેય રહેનારી ભારતીય ટીમને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ પાસે જે પ્રમાણેની અપેક્ષા હતી તે મુજબ પ્રદર્શન કરી શક્યા ન હતા ત્યારે બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ ફરી એકવાર સાબિત કર્યું હતું કે તેઓ ક્રિકેટમાં કિંગ છે. ગઈકાલની ફાઈનલ મેચમાં ભારતીય ચાહકોની સામે ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે શાનદાર સદી ફટકારી હતી. મેચ બાદ જ્યારે તેમને રોહિત શર્માના કેચ વિશે પુછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે રોહિત શર્મા દુનિયાનો સૌથી કમનસીબ માણસ (unluckiest man) છે કારણ કે આ ફિલ્ડિંગ એવી વસ્તુ છે જેના પર મેં સખત મહેનત કરી છે.
રોહિત શર્માએ આક્રમક શૈલિમાં બેટિંગ કરી હતી
રોહિત શર્માએ ભારતને ફરીથી પોતાના આક્રમક શૈલીમાં બેટિંગ કરીને 31 બોલમાં જ ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકારીને 47 રન બનાવ્યા હતા. જો કે તે 47 રન પર ગ્લેન મેક્સવેલની ઓવરમાં જોખમી શોટ રમતા તે હેડના હાથે કેચ આઉટ થયો હતો. ટ્રેવિસ હેડે પાછળ દોડીને શાનદાર કેચ કર્યો હતો. આ વિકેટ માટે બોલર કરતા વધુ શ્રેય ફિલ્ડરને મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ 240 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયા એ ટાર્ગેટને 43 ઓવરમાં જ ચાર વિકેટ ગુમાવીને ચેઝ કરીને વિશ્વકપ પર કબ્જો કર્યો હતો.