રાહુલ બાદ હિટમેન પણ ઈજાગ્રસ્ત, બેટિંગ છોડીને જ જતો રહ્યો...ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું!
BGT 2024 IND vs AUS | હવે બોર્ડર-ગાવસ્કર સિરીઝની છેલ્લી બે ટેસ્ટ મેચ બાકી છે. શ્રેણીની સાથે સાથે આ બંને મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલા માટે ટીમ ઈન્ડિયા મેલબોર્નમાં રમાનારી ચોથી ટેસ્ટ માટે ઘણો પરસેવો પાડી રહી છે. ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ નેટ્સમાં સખત મહેનત કરી રહ્યો છે. રવિવાર 22 ડિસેમ્બરે તે ટીમ સાથે બીજા સત્ર માટે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પહોંચ્યો હતો. જોકે આ દરમિયાન જ નેટ્સમાં બેટિંગ કરતી વખતે તે ઈજાગ્રસ્ત થઈ ગયો. તેના ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ પહેલા પ્રથમ નેટ સેશન દરમિયાન કેએલ રાહુલને હાથમાં ઈજા થઈ હતી.
રોહિત આઈસ પેક લઈને જ બેસી ગયો
ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં લીડ મેળવવા માટે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પરસેવો પાડવાનું શરૂ કરી દીધું હતું. જોકે મેચ પહેલા જ ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થતાં ટીમનું ટેન્શન વધી ગયું છે. તેના આગામી મેચમાં રમવાને લઈને પણ આશંકાઓ ઘેરાવા લાગી છે. તેના ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી.
થોડીવાર પ્રેક્ટિસ કરવાનો પ્રયાસ કર્યો પણ...
ઈજા થવા છતાં ભારતીય કેપ્ટને થોડીવાર બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જ્યારે પીડા અસહ્ય થઈ ગઈ, ત્યારે તેણે રમવાનું બંધ કરવાનું નક્કી કર્યું. ત્યારબાદ રોહિત આઈસ પેક પહેરીને ખુરશી પર બેઠો જોવા મળ્યો હતો. આ દરમિયાન ટીમ ફિઝિયો પણ તેની સાથે જ હતા. જોકે રિપોર્ટ અનુસાર આ ઈજા બહુ ગંભીર નથી. ઘૂંટણમાં સોજો ન આવે તેની ખાતરી કરવા માટે ફિઝિયો સાવચેતી રાખી રહ્યા છે. આ સિવાય બોક્સિંગ ડે ટેસ્ટમાં હજુ 4 દિવસ બાકી છે. તેથી, તે સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે તેવી સંભાવના છે.