ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા તેંડુલકરનો મહારૅકોર્ડ તોડી શકે છે રોહિત શર્મા! લિસ્ટમાં વિરાટ કોહલી છે નંબર વન
Rohit Sharma : હાલમાં ઇંગ્લૅન્ડ સામે રમાયેલી ત્રીજી વનડે મેચમાં ઘણાં લાંબા સમયથી ફોર્મથી બહાર ચાલી રહેલા ભારતીય ટીમના કૅપ્ટન રોહિત શર્માએ શાનદાર વાપસી કરતાં સદી ફટકારી હતી. રોહિતની વનડે ફોર્મેટમાં આ 32મી સદી હતી. રોહિતે માત્ર 90 બોલનો સામનો કરીને 119 રનની ઇનિંગ રમી હતી. જેમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન હવે રોહિત પૂર્વ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના રૅકોર્ડને આગામી સમયમાં તોડી શકે છે.
રોહિત પાસે સચિન તેંડુલકરને પાછળ છોડવાની તક
આ રૅકોર્ડ વનડેમાં સૌથી ઝડપી 11 હજાર રન પૂરા કરવા અંગેનો છે. જેમાં વિરાટ કોહલી યાદીમાં ટોચના સ્થાને છે. તેણે માત્ર 230 વનડેમાં આ કારનામું કરીને સચિન તેંડુલકરને બીજા સ્થાને ધકેલી દીધો હતો. પરંતુ હવે સચિનને વધુ એક સ્થાનનું નુકસાન થઈ શકે છે. કારણ કે, તેની જગ્યા હિટમેન લઈ શકે છે. ત્રીજા સ્થાન પર પૂર્વ ઓસ્ટ્રેલિયન કૅપ્ટન રિકી પોન્ટિંગ છે. જો રોહિત આ યાદીમાં આગળ વધશે તો તે ચોથા સ્થાને ખસકી જશે.
રૅકોર્ડ તોડવા રોહિતેને 13 રનની જરૂર
આગામી ચેમ્પિયન્સ ટ્રોફીની શરુઆત 19 જાન્યુઆરીથી થશે. પરંતુ ભારતીય ટીમ ઇંગ્લૅન્ડ સામે પોતાની છેલ્લી મેચ 12 ફેબ્રુઆરીએ રમશે. જો રોહિત આ મેચમાં રમીને 13 રન બનાવી લે છે તો તે સચિન તેંડુલકર અને રિકી પોન્ટિંગને પાછળ છોડી દેશે. સચિને 284 મેચ અને 276 ઇનિંગ્સમાં આ રૅકોર્ડ બનાવ્યો હતો. જ્યારે પોન્ટિંગે 11 હજારના આંકડા સુધી પહોંચવા માટે 295 મેચ અને 286 ઇનિંગ્સ રમી હતી. જો રોહિત રૅકોર્ડ તોડશે તો એ 268 વનડે રમીને આવું કારનામું કરશે.
12 ફેબ્રુઆરીએ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ચોથી વનડે
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ચોથી વનડે મેચ 12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે રમાશે. જો આ મેચમાં રોહિત શર્મા 11 હજાર રન બનાવવામાં સફળ થઈ જાય છે તો આ કારનામું કરનારો તે ચોથો ભારતીય બેટર બની જશે. આ પહેલા વિરાટ કોહલી, સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી આ ઉપલબ્ધિ હાંસલ કરી ચૂક્યા છે.