જશ્ન બાદ વાનખેડેમાં ભાવુક થયો રોહિત શર્મા, કહ્યું- આ ક્ષણ મારા માટે અત્યંત ખાસ
Team India Victory Parade: ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં 29 જૂન 2024ની તારીખ હંમેશા માટે નોંધાઇ ગઇ છે. આ દિવસે ભારતીય ટીમે T20 વર્લ્ડકપ ચેમ્પિયન્સનું ટાઇટલ પોતાના નામ કર્યું હતું. આ દિવસની સાથે 4 જુલાઇની તારીખ પણ વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. 4 જુલાઇએ ભારતીય ટીમ માટે મુંબઇમાં વિજય પરેડ યોજાઇ હતી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જશ્ન બાદ વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય ટીમના કેપ્ટન ભાવુક થઇ ગયા હતા. તેમણે તેમના ચાહકોનો આભાર માની કહ્યું હતું કે, આ ક્ષણ મારા માટે અત્યંત ખાસ છે. આ બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ સ્ટેડિયમમાં ડાન્સ કરી ઉજવણી પણ કરી હતી.
મુંબઈમાં બસ પરેડ
મુંબઈના મરીન ડ્રાઈવ ખાતે મોટી સંખ્યામાં ચાહકો એકઠા થયા હતા. આ તમામ ચાહકો ટી20 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્યોની રાહ જોઈ રહ્યા હતા. એક અંદાજ પ્રમાણે આશરે 2-3 લાખ જેટલા લોકો અહીં ટીમ ઈન્ડિયાને ચીયર કરવા માટે ભેગા થયા હતા.
રોહિતે પંડ્યાને કરી સલામ
રોહિત શર્માએ છેલ્લી ઓવરમાં હાર્દિક પંડ્યાની બોલિંગના વખાણ કરતા કહ્યું કે, ‘તેને સલામ’ તેણે ડેવિડ મિલરનો કેચ પકડનાર સૂર્યકુમાર યાદવની પણ પ્રશંસા કરી હતી. તેણે T20 વર્લ્ડ કપની જીત સમગ્ર ટીમને સમર્પિત કરી કહ્યું કે, ભારતની T20 વર્લ્ડ કપ જીત ટીમના પ્રયાસોનું પરિણામ છે. ભારતને આઈસીસીનો ખિતાબ જીતાડવામાં બધાએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
આ ટ્રોફી આખા દેશ માટે છેઃ રોહિત
વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માએ દરેકનો આભાર વ્યક્ત કરી કહ્યું કે, ‘જ્યારથી અમે ભારતમાં આવ્યા છીએ ત્યારથી અદ્ભુત ખુશી થઈ રહી છે. આ ટ્રોફી સમગ્ર દેશ માટે છે. વડાપ્રધાનને મળવું એ ખૂબ જ સન્માનની વાત હતી. ટીમ અને BCCI વતી હું દરેકનો આભાર માનું છું. હું ખરેખર ખૂબ જ ખુશ અને રાહત અનુભવું છું.’