એમને મજા લેવા દો, પછી જોઈ લઈશું...: રોહિત શર્માએ ટેસ્ટ મેચ પહેલા બાંગ્લાદેશને આપી ચેતવણી
Representative Image |
Rohit Sharma Press Conference: 19 સપ્ટેમ્બરથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની 2 ટેસ્ટ મેચ સીરિઝની પહેલી ટેસ્ટ મેચ ચેન્નાઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે યોજાશે. ત્યારે હવે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ બાંગ્લાદેશની ટીમના બફાટ સામે જવાબ આપ્યો છે. રોહિતે કહ્યું હતું કે, 'બાંગ્લાદેશની ટીમને મજા કરવા દો, તેમને જોઈ લઈશું'.
તેમને મજા લેવા દો
પહેલી ટેસ્ટ મેચ પહેલા રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં રોહિતને બાંગ્લાદેશી ખેલાડીઓના બફાટ અંગે સવાલ પૂછવામાં આવ્યું હતું. જેના પર રોહિતે કહ્યું હતું કે, 'બધી ટીમોને ભારતને હરાવવામાં મજા આવે છે, તેમને મજા લેવા દો, જ્યારે હું ઈંગ્લેન્ડ આવ્યો હતો, ત્યારે પણ તેમણે પ્રેસમાં ઘણું બધું કહ્યું હતું, અમે તેના પર ધ્યાન આપતા નથી, અમે સારું ક્રિકેટ રમવાની કોશિશ કરીએ છીએ.'
હકીકતમાં રોહિતે જણાવ્યું હતું કે, 'ઇંગ્લેન્ડે 2024ની ટેસ્ટ સીરિઝ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં ઘણાં નિવેદનો કરીને માઈન્ડ ગેમ રમવાની પ્રયાસ કર્યો હતો. અમારી ટીમે તેને વધારે તક આપી ન હતી. અમે અમારી રમત બતાવી હતી.'
બ્રેક લેવાથી ટીમ પર કોઈ અસર નહી થાય
એક સવાલના જવાબમાં રોહિત શર્માએ કહ્યું કે, 'ભારતીય ટીમ ભલે બ્રેક બાદ રમવા આવી રહી હોય, પરંતુ તેની વધારે અસર થશે નહીં, કારણ કે આવું પહેલા પણ બન્યું છે. અમે આ પરિસ્થિતિને સરળતાથી સ્વીકારી લઈશું, આ કારણોસર ચેન્નાઈમાં એક નાનકડા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ખેલાડીઓ લાંબા સમયથી રમ્યા નથી તેઓ દુલીપ ટ્રોફી રમીને અહીં પહોંચ્યા છે.' ભારતીય ક્રિકેટ ટીમે છેલ્લી ટેસ્ટ મેચ માર્ચ 2024માં ઈંગ્લેન્ડ સામે રમી હતી.
આ પણ વાંચો : VIDEO: ભારતના ખેલાડીઓમાં થયો કેચિંગનો મુકાબલો, વિરાટની ટીમ જીતી
દરેક કોચિંગ સ્ટાફની રીત અલગ હોય
પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માને નવા કોચિંગ સ્ટાફને લઈને થયેલા ફેરફારો અંગે પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. આ અંગે રોહિતે જણાવ્યું હતું કે. નવો સ્ટાફ આવ્યો છે, પરંતુ હું ગૌતમ ગંભીર અને અભિષેક નાયર (સહાયક કોચ)ને પહેલેથી જ ઓળખું છું, હું બોલિંગ કોચ મોર્ને મોર્કેલ સામે રમ્યો છું, અને રેયાન ટેન ડોશેટ (સહાયક કોચ) સામે બે મેચ રમ્યો છું, રાહુલ દ્રવિડ, પારસ મહામ્બ્રે, વિક્રમ રાઠોડની કોચિંગ માટેની અલગ રીત હતી. હું 17 વર્ષથી રમી રહ્યો છું તેથી હું જાણું છું કે દરેક કોચિંગ સ્ટાફની રીત અલગ હોય છે.'