જીતની ખુશીમાં રોહિત શર્માથી થઈ ગયું તિરંગાનું અપમાન? જાણો કેમ સર્જાયો છે આ વિવાદ
Rohit Sharma Flag Photo Controversy: ભારતના ODI અને ટેસ્ટ કેપ્ટન રોહિત શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર નવો પ્રોફાઇલ ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટોમાં રોહિત T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ જીત્યા બાદ મેદાનમાં ત્રિરંગો લગાવતો જોવા મળે છે. રોહિત શર્માના નેતૃત્વમાં 17 વર્ષ બાદ ભારતે T20 વર્લ્ડ કપ 2024 જીત્યો હતો. આ પ્રોફાઈલ ફોટોના કારણે હાલ વિવાદ ચાલી રહ્યો છે.
શા માટે વિવાદ થઈ રહ્યો છે?
દક્ષિણ આફ્રિકા સામેની ફાઈનલ મેચમાં ભારતનો 7 રને વિજય થયો હતો. તેમજ ભારત આખી સીરિઝમાં એક પણ મેચ હાર્યું ન હતું. આથી જીતની ખુશીમાં મેચ પછી રોહિત શર્માએ ત્રિરંગો મેદાનમાં લગાવી રહ્યો હતો. જેનો વીડિયો ઘણો વાયરલ થયો હતો. રોહિતે તે ક્ષણનો ફોટો પોતાનો પ્રોફાઈલ પિક્ચર બનાવ્યો છે. આ ફોટોમાં ત્રિરંગાનો અમુક ભાગ જમીનને સ્પર્શતો હોવાથી વિવાદ ચાલી રહ્યો છે.
આવી સ્થિતિમાં, ભારતીય ધ્વજ સંહિતાના એક નિયમને ટાંકીને સોશિયલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું છે કે ત્રિરંગો જમીનને સ્પર્શ થાય તેમ રાખવામાં આવે તો તે ત્રિરંગાનું અપમાન કહેવાય છે.
ધ્વજ સંહિતાનો નિયમ શું છે?
ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા એટલે કે ધ્વજ સંહિતામાં ત્રિરંગાને લગતા અમુક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ખોટી રીત અંગે નિયમ 3.20 માં લખવામાં આવ્યું છે કે ધ્વજ જમીન કે પાણીમાં ઢસડાઇ તે રીતે ન રાખવો જોઈએ.
- કોઈ પણ રાષ્ટ્ર ધ્વજ જમીનને સ્પર્શ ન કરવો જોઈએ. તેમજ અમુક પરિસ્થિતિને બાદ કરતા ધ્વજ હંમેશા લહેરાવો જ જોઈએ.
- આ ઉપરાંત ભારતીય ધ્વજ ફાટી જાય તે રીતે પણ ન બાંધવો જોઈએ.
- વાહન પર ધ્વજ લગાવવા અને તેને શાળામાં ફરકાવવા અંગે ઘણા નિયમો છે.
જો કે રોહિત શર્માએ આ વિવાદ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ જયારે રોહિતે આ પ્રોફાઇલ ફોટો પોસ્ટ કર્યો ત્યારે લોકોએ તેના ખૂબ વખાણ કર્યા હતા. ઉપરાંત, ઘણા લોકોએ કમેન્ટમાં કહ્યું હતું કે આ ક્રિકેટની સૌથી ખાસ ક્ષણોમાંથી એક છે. તો ઘણા લોકો તેને ત્રિરંગાનું અપમાન પણ કહી રહ્યા છે. તેમજ હવે ઘણા લોકો રોહિત શર્માની તરફેણમાં ટ્વિટ કરી રહ્યા છે અને તેઓ કહે છે કે આ સમય અલગ હતો અને તેને અપમાન કહેવું ખોટું હશે.