VIDEO: મુંબઈની શેરીઓમાં 3.5 કરોડની કાર લઈને નીકળ્યો રોહિત શર્મા, લોકોએ કહ્યું- નંબર પ્લેટ ગજબ છે!
Rohit Sharma Lamborghini Urus: શ્રીલંકા સામેની વન-ડે શ્રેણીમાં પરાજય બાદ ભારતીય ક્રિકેટ ટીમ ભારત આવી ગઈ છે અને એક લાંબુ વેકેશન માણી રહી છે. હવે ભારત બાંગ્લાદેશ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી રમશે પરંતુ તેને હજુ ખાસ્સો સમય બાકી છે. અગાઉ ભારતીય ક્રિકેટર્સ પરિવારજનો સાથે સમય પસાર કરવામાં અને પ્રેક્ટિસમાં લાગી ગયા છે.
આ દરમિયાન ભારતીય વન-ડે અને ટેસ્ટ ટીમનો કૅપ્ટન રોહિત શર્માનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. આ વીડિયોમાં રોહિત પોતાની બ્લૂ કલરની મોંઘીદાટ કાર સાથે દેખાયો હતો. જો કે રોહિત શર્માની આ કાર કરતાં પણ વધારે તેની નંબર પ્લેટે ધ્યાન ખેંચ્યું હતું.
રોહિત શર્માની બ્લૂ લેમ્બોર્ગીનીનો નંબર પ્લેટનો નંબર થોડો સ્પેશ્યલ છે. એ સ્પેશ્યલ એટલા માટે છે કે તેના છેલ્લા આંકડા 0264 છે. રોહિતના ફેન્સ માટે આ આંકડો નવાઈ લાગે એવો નથી પણ જે લોકો વિચારતા હોય કે આ આંકડામાં એવું તો શું ખાસ છે? તો એ લોકોને જણાવી દઈએ કે વન-ડે ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારનાર બેટર એકમાત્ર રોહિત શર્મા જ છે. એમાં પણ તેનો સર્વાધિક સ્કોર 264 રન છે જે તેણે 2014માં શ્રીલંકા સામે ફટકાર્યા હતા. માટે રોહિત શર્મા માટે આ નંબર ખાસ છે.
કેટલા રૂપિયાની કાર?
રોહિત શર્માએ આ કાર કે જેનું નામ લેમ્બોર્ગીની ઉરુસ છે તે ખરીદવા માટે આશરે 3.1 કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાનું કહેવાય છે. જેમાં અન્ય ખર્ચ ઉમેરતાં કિંમત અંદાજે સાડા ત્રણ કરોડે પહોંચે છે. રોહિતે આ કાર બે વર્ષ પહેલા ખરીદી હતી. જે ચાર લિટર ટ્વીન ટર્બો V8 એન્જિન 657 BHPથી સજ્જ હોવાનું માનવામાં આવે છે.