ફિફ્ટી ચૂક્યો છતાં હિટમેને બનાવ્યો ખાસ રેકોર્ડ, રોહિતની કોહલી-વોર્નરની ક્લબમાં એન્ટ્રી
Image:IANS |
Rohit Sharma Record : IPL 2024ની 20મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થઈ રહ્યો છે. વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલા ઓપનર રોહિત શર્મા અને ઈશાન કિશને મુંબઈ ઈન્ડિયન્સ માટે સારી શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી હતી. DCના ઓલરાઉન્ડર અક્ષર પટેલે આ ભાગીદારી તોડી હતી. તેણે 7મી ઓવરના છેલ્લા બોલ પર રોહિત શર્માને 49 રને બોલ્ડ કર્યો હતો. તે ફિફ્ટીથી ચૂકી ગયો પરંતુ આ દરમિયાન તેણે દિલ્હી કેપિટલ્સ સામે IPLના ઈતિહાસમાં એક મોટી સિદ્ધિ મેળવી હતી.
કોહલી-વોર્નરની ખાસ ક્લબમાં સામેલ થયો રોહિત
રોહિત શર્માએ 27 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 49 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન રોહિતે એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. તે વિરાટ કોહલી અને ડેવિડ વોર્નરની ખાસ ક્લબમાં સામેલ થઇ ગયો છે. રોહિતે દિલ્હી કેપિટલ્સ સામે 1000 રન પૂરા કર્યા છે. આવી સ્થિતિમાં તે સંયુક્ત રીતે IPLમાં સૌથી વધુ ટીમો સામે 1000થી વધુ રન બનાવનાર પ્રથમ બેટર બની ગયો છે. તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પણ 1000 રન બનાવ્યા છે. તેના સિવાય ડેવિડ વોર્નરે પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 1000થી વધુ રન બનાવ્યા છે, તેમજ વિરાટ કોહલીએ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ સામે 1000થી વધુ રન બનાવ્યા છે.
રોહિતનું પ્રદર્શન કંઈ ખાસ ન રહ્યું
IPL 2024માં રોહિત શર્માનું અત્યાર સુધીનું પ્રદર્શન એવરેજ રહ્યું છે. ગુજરાત ટાઇટન્સ સામેની પ્રથમ મેચમાં તેણે 29 બોલમાં 43 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 7 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં રોહિતે 12 બોલમાં 26 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ સામેની છેલ્લી મેચમાં રોહિત પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. ટ્રેન્ટ બોલ્ટે તેને સંજુ સેમસનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.