VIDEO: ડ્રેસિંગ રૂમમાં રડી પડ્યો રોહિત શર્મા... ટીમની હાલત જોઈને થયો ભાવુક, ચહેરા પર દેખાઈ હતાશા
Image: Facebook
IPL 2024: વાનખેડે સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મુંબઈ ઈન્ડિયન્સની સાત વિકેટની જીત છતાં ટી20 ક્રિકેટમાં રોહિત શર્માનું ફોર્મ ટેન્શન આપી રહ્યું છે. આ સિઝન ચેન્નઈ સુપરકિંગ્સ સામે સદી ફટકાર્યા બાદથી રોહિતનું ખરાબ ફોર્મ ચાલુ છે. એક મહિના બાદ ટી20 વર્લ્ડ કપ શરૂ થવાનો છે. દરમિયાન ભારતીય કેપ્ટનને લઈને ચિંતાઓ સ્વાભાવિક છે. ગઈ કાલે વિશ્વના સૌથી વિસ્ફોટક ઓપનર્સ પૈકીના એક રોહિત શર્માએ પાંચ બોલમાં માત્ર ચાર રન કર્યાં. આઉટ થયા બાદ ડ્રેસિંગ રૂમમાં તેના ચહેરા પર હતાશા દેખાઈ. કેમેરા જ્યારે તેની પર ફોકસ થયો તો આખી દુનિયાને જોયુ કે રોહિત કેટલો હતાશ હતો. ચહેરા પર હતાશા સ્પષ્ટ દેખાઈ રહી હતી. આંખો પણ ભીની હતી, જેને સાફ કરતા દેખાઈ રહ્યો હતો.
આ વર્ષે અચાનક મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપથી હટાવાયેલા રોહિત શર્માએ સિઝનની પોતાની પહેલી સાત ઈનિંગમાં 297 રન બનાવ્યા, જેમાં દિલ્હી કેપિટલ્સ સામે 49 રન અને સીએસકે સામે ઘરેલુ મેદાન પર 105 રન સામેલ હતા. જોકે, પોતાની આગામી પાંચ મેચમાં તે માત્ર 34 રન જ બનાવી શક્યો તેમાં ચાર સ્કોર સિંગલ ડિજિટમાં છે. મુંબઈમાં ગઈ રાત્રે રોહિત વિપક્ષી કેપ્ટન પેટ કમિન્સની એક લેન્થ બોલ પર આઉટ થઈ ગયો. તે તેને સ્કવેરના ઉપથી ફ્લિક કરવા માગતો હતો પરંતુ શોટ રમવામાં ઉતાવળ કરી અને બોલ આકાશમાં ઊંચે જતો રહ્યો. વિકેટકીપર હેનરિક ક્લાસેને આરામથી તેને પકડીને રોહિતનું કામ તમામ કરી દીધું.
રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, કોલકાતા નાઈટરાઈડર્સ અને હવે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમેલી છેલ્લી પાંચ મેચમાં રોહિતનો હાઈ સ્કોર 11 રન છે. આ સારુ નથી. ભારતીય ખેલાડીઓના યુએસએ રવાના થયા પહેલા રોહિત શર્માને પોતાની ફોર્મ મેળવવા માટે IPL 2024માં હજુ પણ બે વધુ તક મળશે. ટીમ ઈન્ડિયા 5 જૂને આયર્લેન્ડ સામે પોતાની પહેલી મેચ રમશે.