Get The App

T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે 8-10 ખેલાડીઓ લગભગ નક્કી જ છે : રોહિત શર્મા

હજુ ટી-20 વર્લ્ડ કપ ટીમની પસંદગી કરવામાં આવી નથી, જોકે 8 થી 10 ખેલાડીઓના નામ તો અત્યારથી જ નક્કી જેવા જ છે

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે 8-10 ખેલાડીઓ લગભગ નક્કી જ છે : રોહિત શર્મા 1 - image

Image Twitter 


અફઘાનિસ્તાન સામેની ત્રણ T20ની શ્રેણીમાં શાનદાર દેખાવ કરતાં શિવમ દુબે તેમજ રિન્કુ સિંઘ જેવા ખેલાડીઓએ ચાલુ વર્ષ જુનમાં યોજાનારા T-20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવવાની આશા જગાવી છે. ટીમ ઈન્ડિયાના પસંદગીકારો હવે ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટના વર્લ્ડ કપમાં યુવા ખેલાડીઓ પર ધ્યાન આપે છે કે અનુભવી અને મોટા નામ ધરાવતા ખેલાડીઓ પર જ પસંદગી ઉતારે છે, તે જોવાનું રહેશે. જોકે અફઘાનિસ્તાન સામેની શ્રેણી બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતુ કે, હજુ ટી-20 વર્લ્ડ કપની ટીમની પસંદગી કરવામાં આવી નથી. જોકે ટીમમાં સામેલ થનારા 8 થી 10 ખેલાડીઓ તો અત્યારથી જ નક્કી જેવા જ છે.

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એવો ઈશારો કર્યો કે, ટી-20 શ્રેણીમાં શાનદાર દેખાવ કરવા છતાં યુવા ખેલાડીઓને ટી-20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન ન મળે તેમ પણ બની શકે. રોહિતે કહ્યું કે, અમે જ્યારે વન ડે વર્લ્ડ કપમાં રમ્યા તેવી જ રીતે ટી-20માં પણ અમે ઘણા બધા ખેલાડીઓને અજમાવી રહ્યા છીએ. તેઓનો દેખાવ અસરકારક રહ્યો હતો. 

અમારી પાસે ટી-20 વર્લ્ડ કપ માટે અત્યાર 25 થી 30 ખેલાડીઓનું ગ્રૂપ છે : રોહિત શર્મા

જોકે, આખરે જ્યારે ટીમની પસંદગી કરવામાં આવી ત્યારે સારો દેખાવ કરનારા કેટલાક ખેલાડીઓને પડતા મૂકવામાં આવ્યા હતા. આ કારણે તેઓ નિરાશ થયા હશે. જોકે અમારુ કામ આ બધી બાબતો સ્પષ્ટ કરવાનું છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે રોહિતનું સ્થાન તો ટી-20 વર્લ્ડ કપમાં નક્કી જ લાગી રહ્યું છે. તેણે કહ્યું કે, અમારી પાસે ટી-20 વર્લ્ડ કપ માટે અત્યાર 25 થી 30 ખેલાડીઓનું ગ્રૂપ છે. તેઓ બધા જાણે છે કે, તેમની પાસેથી અમારી શું અપેક્ષાઓ છે. અમે હજુ ટીમ નક્કી કરી નથી. 

વર્લ્ડકપની ટીમના વિકલ્પો આવકારદાયક : દ્રવિડ

ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે, ટી-20 વર્લ્ડ કપની ટીમની પસંદગી થઈ નથી, ત્યારે ટીમ ઈન્ડિયાને જે વિકલ્પો મળી રહ્યા છે, તે આવકારદાયક છે. અમે ગત વનડે વર્લ્ડ કપ પછી નવા ખેલાડીઓને જુદા- જુદા કારણોસર અજમાવી રહ્યા છીએ. યુવા ખેલાડીઓ તેમની પ્રતિભા અને કૌશલ્યો દર્શાવી રહ્યા છે, જે સ્થિતિ અમારા માટે હકારાત્મક છે. ટી- 20 વર્લ્ડ કપ પહેલા આઇપીએલ રમાવાની છે, ત્યારે બધાની નજર ટીમમાં સ્થાન મેળવનારા સંભવિતોના દેખાવ પર રહેશે.

આમ છતાં ટી-20 વર્લ્ડ કપમાં કયા 8 થી 10 ખેલાડીઓ રમતાં હશે તેનો ખ્યાલ તો મગજમાં છે જ. મોટાભાગની મેચીસ વિન્ડિઝની ભૂમિ પર રમાવાની છે, જ્યાં પીચ ધીમી રહે તેવી અપેક્ષા છે, તેમ જણાવતા રોહિતે ઊમેર્યું કે, અમારે ત્યાંની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટીમની પસંદગી કરવી પડે. હું અને કોચ રાહુલ ભાઈ ટીમના તમામ ખેલાડીઓ સંપૂર્ણ પરિસ્થિતિથી વાકેફ રહે તેવા પ્રયત્નો કરતાં રહીએ છીએ. કેપ્ટન તરીકે હું એક બાબત શીખ્યો છું કે, તમે દરેક વખતે તો બધાને ખુશ રાખી ના શકો. કેપ્ટન તરીકે ટીમની જરુરીયાતોને પ્રધાન્ય આપવું જ પડે.

રોહિત અફઘાનિસ્તાન સામેની શરૂઆતની બંને વન ડેમાં 0 પર આઉટ થયો હતો. જોકે તેણે ત્રીજી ટી- 20માં કારકિર્દીની રેકોર્ડ પાંચમી સદી ફટકારતા અણનમ 121 રન માત્ર 69 બોલમાં નોંધાવ્યા હતા. રોહિતે કહ્યું કે, હું નેટ્સમાં સખત મહેનત કરું છું. મેચમાં બોલર પર દબાણ સર્જવા માટે કેટલાક ખાસ સ્ટ્રોક ફટકારવા પડે. જ્યારે બોલ સ્થિન થતો હોય ત્યારે તેને સીધો ફટકારી ન શકાય. તેના માટે નવા સ્ટ્રોક અજમાવવા પડે.


Google NewsGoogle News