જો ટીમ ઈન્ડિયાના આ બેટરનું બેટ ચાલી ગયું તો ઓસ્ટ્રેલિયાની ખેર નહીં, આંકડા આપે છે સાબિતી
ભારત 12 વર્ષ બાદ પોતાની ધરતી પર ફાઈનલ જીતીને ત્રીજી વખત વર્લ્ડ કપ ટ્રોફી લેવા તરફ જોઈ રહ્યું છે
5 વખત વિજેતા ઓસ્ટ્રેલિયા 2015 પછી 6ઠ્ઠી વખત જીતવાનું સપનું જોઈ રહ્યું છે
Image : IANS |
World Cup 2023 Final: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ ટાઈટલ મેચનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભારત 12 વર્ષ બાદ પોતાની ધરતી પર ફાઈનલ જીતીને ત્રીજી વખત વર્લ્ડ કપ ટ્રોફી લેવા તરફ જોઈ રહ્યું છે, ત્યારે 5 વખત વિજેતા ઓસ્ટ્રેલિયા 2015 પછી 6ઠ્ઠી વખત જીતવાનું સપનું જોઈ રહ્યું છે. જોકે ઓસ્ટ્રેલિયા માટે આ એટલું સરળ નથી. કાંગારૂઓને બેટિંગમાં કેપ્ટન રોહિત, કોહલી, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ અને બોલિંગમાં શમી, બુમરાહ, સિરાજ, કુલદીપ અને જાડેજા પડકારશે. પરંતુ કેપ્ટન રોહિત શર્મા એકલો ઓસ્ટ્રેલિયાને પછાડી શકે છે. રોહિતને ઓસ્ટ્રેલિયન બોલિંગ ખૂબ જ ગમે છે. રોહિતની પ્રથમ બેવડી સદી આ ટીમ સામે પ્રથમ આવી હતી. બેંગલુરુમાં 209 રનની ઈનિંગ આજે પણ લોકોને યાદ છે.
ઓસ્ટ્રેલિયા સામેના રેકોર્ડમાં આંકડાઓ છે સાક્ષી
રોહિત શર્માએ અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા સામે 44 વનડે મેચ 58.30ની એવરેજ પર 2332 રન બનાવ્યા છે. આ ટીમ સામે તેના નામે 8 સદી અને 9 અડધી સદી છે. જેમાં તેણે 187 ચોગ્ગા અને 84 છગ્ગા ફટકાર્યા છે. આ ટીમ સામે તેનો હાઈએસ્ટ સ્કોર 2013માં બેંગલુરુનો 209 રનનો છે.
ભારત ક્યારેય અમદાવાદમાં વનડે મેચ હાર્યું નથી
વર્ષ 1987માં આ જ મેદાન પર 26 ઓક્ટોબરે ઝિમ્બાબ્વે સામે પ્રથમ મેચ જીતી હતી. ત્યારે ભારતે 192 રનનો ટાર્ગેટ 7 વિકેટે સરળતાથી મેળવી લીધો હતો. આ પછી વર્ષ 2011માં વર્લ્ડ કપની મેચમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે પરાજય આપ્યો હતો. ભારતે 261 રનનો ટાર્ગેટ 6 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.
કોચે જણાવ્યું રોહિતની રમત અંગે
રોહિત શર્માના બાળપણના કોચ દિનેશ લાડે તેને 10 વર્ષની ઉંમરથી તાલીમ આપી છે. કહેવાય છે કે રોહિત મેદાન પર જેવો દેખાય છે તે તેવો નથી. તે સ્માર્ટ અને ફોકસ્ડ છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ આ વર્લ્ડ કપ છે. જેમાં કેવી રીતે નેતૃત્વ કર્યું તે ખરેખર નોંધનીય છે. તેણે પોતાની જાતને વિવિધ પરિસ્થિતિઓ માટે તૈયાર કરી હતી. જ્યારે તેઓને બચાવની જરૂર હોય ત્યારે તેઓએ બચાવ કર્યો અને જ્યારે તેમને વિકેટની જરૂર હોય ત્યારે હુમલો કર્યો. લાડે વધુમાં કહ્યું કે રોહિતના આક્રમક અભિગમે અન્ય ખેલાડીઓ માટે વસ્તુઓ સરળ બનાવી છે. રોહિતની ઝડપી શરૂઆત અન્ય ખેલાડીઓને પ્રોત્સાહિત કરે છે અને ટીમ સારું પ્રદર્શન કરી શકે છે. લાડ રોહિતની સૌથી મોટી તાકાત તેનો આત્મવિશ્વાસ ગણાવે છે.