રોહિતે આપ્યો જડબાતોડ જવાબ તો ગુસ્સે ભરાયો પાકિસ્તાની દિગ્ગજ, કહ્યું- મને ના શીખવાડીશ
Image: Facebook
Inzamam ul Haq: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર ઈન્ઝમામ ઉલ હકે ભારતીય ઝડપી બોલર્સને ઈનિંગના અંતમાં રિવર્સ સ્વિંગ મળવા પર આકરી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતીય ઝડપી બોલર રિવર્સ સ્વિંગ મેળવવા માટે બોલની સાથે છેતરપિંડી કરી રહ્યાં છે અને આઈસીસીએ આની પર ધ્યાન આપવું જોઈએ. જોકે, તે બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઈન્ઝમામને આકરો જવાબ આપ્યો હતો અને પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીને મગજનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. હિટમેને ઈન્ઝમામના નિવેદનને બકવાસ ગણાવ્યું હતું. હવે રોહિતના નિવેદનથી અકળાયેલા ઈન્ઝમામે એક અન્ય નિવેદન આપ્યું છે.
ન્યૂયોર્કમાં મેચ દરમિયાન ભારતીય ઝડપી બોલરોએ પોતાની બોલિંગથી દુનિયાને ચોંકાવી દીધી હતી. જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ ઓછા સ્કોર વાળી મેચમાં પાકિસ્તાનની બેટિંગને ધ્વસ્ત કરી દીધી હતી. એટલું જ નહીં, ટીમ ઈન્ડિયાના ઝડપી બોલરોએ આગળની મેચમાં પણ પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખ્યું હતું. 2021ના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને પણ ભારતે 24 રનથી હરાવ્યું હતું. તે બાદ ઈન્ઝમામે ભારતીય બોલરો પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો હતો.
ભારતે સોમવારે ગ્રોસ આઈલેટમાં ઓસ્ટ્રેલિયાને 24 રનથી હરાવીને સેમિ ફાઈનલમાં સ્થાન બનાવ્યું હતું. ભારતના ડાબા હાથના ઝડપી બોલર અર્શદીપ સિંહે આ મેચમાં ત્રણ વિકેટ લીધી હતી. ઈન્ઝમામે અર્શદીપ સિંહ અને ભારતીય ટીમ પર બોલ સાથે છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો હતો. ઈન્ઝમામે કહ્યું કે જ્યારે અર્શદીપ 15મી ઓવર કરી રહ્યો હતો તો બોલ રિવર્સ સ્વિંગ થઈ રહ્યો હતો. કોઈ મેચમાં નવા બોલ આટલી ઝડપથી રિવર્સ સ્વિંગ થતા નથી. તેનો અર્થ છે કે બોલને 12મી-13મી ઓવર સુધી આ માટે તૈયાર કરવામાં આવ્યો હતો. તે સમય સુધી બોલ રિવર્સ સ્વિંગ માટે તૈયાર હતો. અમ્પાયરોએ પોતાની આંખો ખુલ્લી રાખવી પડશે અને જોવું પડશે કે શું ચાલી રહ્યું છે.
રોહિતને જ્યારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સેમિફાઈનલ મેચની પૂર્વ સંધ્યા પર ઈન્ઝમામના આરોપ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે પાકિસ્તાનના પૂર્વ બેટ્સમેનને પોતાનું મગજ ખુલ્લુ રાખવાની સલાહ આપી. રોહિતે કહ્યું, હવે હું આ વિશે શું કહું? અહીંની વિકેટ ખૂબ સૂકાયેલી અને કડક છે. અહીંની પરિસ્થિતિઓના કારણે 12-15 ઓવરમાં બોલ રિવર્સ સ્વિંગ થશે. આ તમામ ટીમો માટે થઈ રહ્યું છે, એકલા મારા માટે નહીં. તમારે તમારુ મગજ ખુલ્લુ રાખવાની જરૂર છે. આ ઓસ્ટ્રેલિયા કે ઈંગ્લેન્ડ નથી.
હવે ઈન્ઝમામે રોહિતના નિવેદન પર ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું, રોહિત શર્માને આપણે એ સમજાવવાની જરૂર છે કે રિવર્સ સ્વિંગ કેવી હોય છે કે સૂર્યની કેટલી તીવ્રતામાં હોય છે, કે કઈ પિચ પર હોય છે. જે તમને આવી વાતો શીખવાડે છે, તેમને આ વાતો શીખવાડવાની જરૂર નથી. અમારે તેમને જણાવવું જોઈએ કે આ પ્રકારની નિવેદનબાજી યોગ્ય નથી.
ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં પહોંચી ગઈ છે. હવે તેમનો સામનો 29 જૂને બારબાડોસના કેંસિંગ્ટન ઓવલમાં દક્ષિણ આફ્રિકા સાથે થશે. બંને ટીમો ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. ભારતે 2013 બાદથી આઈસીસી ખિતાબ મેળવ્યો નથી. જ્યારે દક્ષિણ આફ્રિકાએ અંતિમ વખતે 1998માં કોઈ આઈસીસી ટુર્નામેન્ટ જીતી હતી. ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પહેલી મેચ હશે જ્યારે કોઈ અજેય ટીમ ટ્રોફી ઉઠાવશે.