બોપન્નાએ ડબલ્સ ટાઈટલ જીતીને રચ્યો ઈતિહાસ, 44 વર્ષની ઉંમરે ફરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
બોપન્નાએ ડબલ્સ ટાઈટલ જીતીને રચ્યો ઈતિહાસ, 44 વર્ષની ઉંમરે ફરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ 1 - image
Image:Twitter

Miami Open 2024 : ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્નાએ તેના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યુ એબ્ડેન સાથે મળીને મિયામી ઓપન ડબલ્સનો ખિતાબ જીત્યો છે. આ પહેલા 44 વર્ષીય રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડેનની જોડીએ ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ ડબલ ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડેને મિયામી ઓપન ડબલ્સની ફાઇનલમાં ઇવાન ડોડિગ અને ઓસ્ટિન ક્રાજીસેકની જોડીને હરાવી હતી. રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડેનની જોડીએ લગભગ દોઢ કલાક સુધી ચાલેલી મેચમાં ઇવાન ડોડિગ અને ઓસ્ટિન ક્રાજીસેકને 6-7 (3), 6-3, 10-6થી હરાવીને ટાઇટલ જીત્યું હતું.

પ્રથમ સેટ ટાઈ-બ્રેકરમાં હાર્યા બાદ જબરદસ્ત વાપસી કરી

રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડેન મિયામી ઓપન ડબલ્સ ફાઇનલમાં ઇવાન ડોડિગ અને ઓસ્ટિન ક્રાજીસેક સામે પ્રથમ સેટ ટાઈ-બ્રેકર હારી ગયા, પરંતુ તે પછી તેઓએ જબરદસ્ત વાપસી કરી હતી. બંનેએ સારી સર્વિસ કરી અને પ્રથમ સર્વ પર 78 ટકા પોઈન્ટ મેળવ્યા. આ પછી રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડેને પોતાના વિરોધીઓને કોઈ તક આપી ન હતી.

પોતાનો જ રેકોર્ડ તોડ્યો

રોહન બોપન્નાએ માસ્ટર્સ 1000 ટાઈટલ જીતનાર સૌથી વરિષ્ઠ ખેલાડી બનવાનો પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો. તેણે ગયા વર્ષે કેલિફોર્નિયામાં એબ્ડેન સાથે ઈન્ડિયન વેલ્સ માસ્ટર્સ ટાઈટલ જીત્યું હતું. તે સમયે તેની ઉંમર 43 વર્ષની હતી. પરંતુ હવે 44 વર્ષની ઉંમરે રોહન બોપન્નાએ મિયામી ઓપન જીતી લીધી છે. જણાવી દઈએ કે રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડેનની જોડીએ આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઓપન જીતીને મેલબોર્નમાં ઈતિહાસ રચ્યો હતો. 44 વર્ષીય રોહન બોપન્ના મેન્સ ડબલ્સ રેન્કિંગમાં નંબર 1 પર આવી ગયો હતો. બોપન્ના અને એબ્ડેન આ વર્ષે અત્યાર સુધીમાં ત્રણ ફાઈનલ રમ્યા છે, જેમાંથી તેઓ 2 જીત્યા છે.

બોપન્નાએ ડબલ્સ ટાઈટલ જીતીને રચ્યો ઈતિહાસ, 44 વર્ષની ઉંમરે ફરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ 2 - image


Google NewsGoogle News