રોહન બોપન્નાની ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઈનલમાં એન્ટ્રી, મેન્સ ડબલ્સમાં વર્લ્ડ નંબર-1 બનીને ઈતિહાસ રચ્યો

ઓસ્ટ્રેલિયન ઓપનમાં બોપન્ના અને એબ્ડેનની જોડીએ વર્લ્ડ રેન્કિંગમાં પ્રથમ સ્થાન ધરાવતી જોડીને હરાવી હતી

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
રોહન બોપન્નાની ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઈનલમાં એન્ટ્રી, મેન્સ ડબલ્સમાં વર્લ્ડ નંબર-1 બનીને ઈતિહાસ રચ્યો 1 - image
Image: Twitter

Rohan Bopanna And Matt Ebden : ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ 43 વર્ષની ઉંમરે ઈતિહાસ રચી દીધો છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં રોહન બોપન્ના અને મેટ એબ્ડેનની જોડી સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. બોપન્ના અને એબ્ડેને ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટિનાના મેક્સિમો ગોન્ઝાલેઝ અને એન્ડ્રેસ મોલ્ટેની હરાવી સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. આ જીત સાથે રોહન બોપન્ના અને મેટ એબ્ડેન મેન્સ ડબલ્સ વર્લ્ડ રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગયા છે.

મેન્સ ડબલ્સમાં વર્લ્ડ રેન્કિંગમાં નંબર-1 પર કર્યો કબજો

ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઈનલ મેચમાં આર્જેન્ટિનાના મેક્સિમો ગોન્ઝાલેઝ અને એન્ડ્રેસ મોલ્ટેનીનો સામનો રોહન બોપન્ના અને મેટ એબ્ડેન સામે થયો હતો. પરંતુ રોહન બોપન્ના અને મેટ એબ્ડેને આર્જેન્ટીનાના ખેલાડીઓને જીતવાની કોઈ તક આપી ન હતી. મેક્સિમો ગોન્ઝાલેઝ અને એન્ડ્રેસ મોલ્ટેનીનો 6-4, 7-6 (7-5)થી પરાજય થયો હતો. આ રીતે બોપન્ના અને એબ્ડેનની જોડી ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ઉપરાંત રોહન બોપન્ના અને મેટ એબ્ડેન મેન્સ ડબલ્સમાં વર્લ્ડ રેન્કિંગમાં નંબર-1 પર પહોંચી ગયા છે.

દુનિયાની નંબર-1 જોડીને ઓસ્ટ્રેલિયન ઓપનમાં હરાવી હતી

ઓસ્ટ્રેલિયન ઓપનમાં અગાઉ ભારત અને ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ રેન્કિંગમાં બીજું સ્થાન ધરાવતી જોડીએ નેધરલેન્ડના વેસ્લી કૂલહોફ અને ક્રોએશિયાના નિકોલા મેકટિકની જોડીને સીધા સેટમાં હરાવી હતી. આ મેચમાં રોહન બોપન્ના અને મેટ એબ્ડેનની જોડીએ દુનિયાની નંબર-1 જોડી વેસ્લી કૂલહોફ અને નિકોલા મેકટિકને 7-6, 7-6થી હરાવ્યા હતા.

રોહન બોપન્નાની ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઈનલમાં એન્ટ્રી, મેન્સ ડબલ્સમાં વર્લ્ડ નંબર-1 બનીને ઈતિહાસ રચ્યો 2 - image


Google NewsGoogle News