2011માં મને મરી જવાના વિચાર આવતા હતા, હું નકામો હોવ એવું લાગતું હતું, પૂર્વ ભારતીય ક્રિકેટરનો ખુલાસો
Robin Uthappa: ક્રિકેટ ભારતની સૌથી લોકપ્રિય રમત છે. ક્રિકેટર્સ અહીં સૌથી જાણીતી અને સૌથી વધ્યરે રૂપિયા કમાતી સેલિબ્રિટીઝ છે. પરંતુ આ ગ્લેમરસ સ્પોર્ટની કેટલી ખેદજનક વાસ્તવિકતા પણ છે. નસીબનો તેમાં મોટો ફાળો હોય છે. ક્યારેક ફોર્મ તો ક્યારેક ફેવરિટીઝમથી કંટાળીને ક્રિકેટર્સ આત્મહત્યા સુધીના વિચારો પણ કરવા માંડે છે. આવો જ એક કિસ્સો પૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાએ જણાવ્યો હતો.
ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાએ પોતાની યુટ્યુબ ચેનલ પર ડિપ્રેશન અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ વીડિયોમાં તેણે કહ્યું હતું કે, 'મેં ક્રિકેટના મેદાનમાં ઘણી લડાઇઓ લડી છે પણ ડિપ્રેશન સામેની લડાઈ જેટલી અઘરી લડાઈ એકેય નહોતી. હું મેન્ટલ હેલ્થ અંગે મૌન તોડી રહ્યો છું કારણ કે હું જાણું છું કે હું એકલો નથી. તમારા સ્વાસ્થ્યને મહત્વ આપો.લોકોની મદદ લો અને અંધકારમાં આશાનું કિરણ શોધો.'
રોબીને આ વીડિયોમાં પોતાના સાથી ક્રિકેટર્સ કે જેમણે આત્મહત્યા કરી હતી તેઓને શ્રદ્ધાંજલિ આપી હતી અને ગ્રેહામ થોર્પ, વીબી ચંદ્રશેખર, ડેવિડ જોન્સનને યાદ કર્યા હતા. 2007માં T20 વર્લ્ડકપમાં વિજેતા બનેલી ભારતીય ક્રિકેટ ટીમનો એક સભ્ય રોબિન ઉથપ્પા પણ હતો. ત્યાર પછીથી ભારતીય ક્રિકેટ ટીમમાં તેનું સ્થાન અનિયમિત રહ્યું હતું. માનસિક સ્વાસ્થ્ય અંગે વાત કરતાં તેણે 2011નો એ સમય યાદ કર્યો હતો જ્યારે તે સંઘર્ષ કરી રહ્યો હતો. તેણે કહ્યું હતું કે, '2011ના અરસામાં મને એક માણસ તરીકે બહુ શરમજનક લાગતું હતું. હું પણ આત્મહત્યાના વિચારો કરતો હતો. હું નકામો હોવ અને જેમને હું પ્રેમ કરું છું એવા લોકો પર બોજ હોવ એવું લાગતું હતું. પરંતુ ક્યારેક આવો એક દિવસ કાઢી નાખવો જરૂરી હોય છે.'
આ પણ વાંચો: યારો કા યાર! દોસ્તોને ક્યારેય ભૂલતો નથી ધોની, ફોટો વાયરલ થતાં લોકોએ કહ્યું- સાદગી તો જુઓ
ઇંગ્લિશ ક્રિકેટર ગ્રેહામ થોર્પની અને ભારતના ડેવિડ જોન્સનના મૃત્યુ અંગે વાત કરતાં તેણે કહ્યું હતું કે, ' મારુ હ્રદય ગ્રેહામ અને તેના પરિવાર માટે સંવેદના અનુભવે છે. હું કલ્પના કરી શકતો નથી કે તે કેવા સંજોગોમાંથી પસાર થયો હશે. મારી પ્રાર્થના તેના પરિવારની સાથે છે.'