IND vs SL: ગંભીર-રોહિતનો દાવ કામ કરી ગયો! પોતાની પહેલી જ વન-ડેમાં 3 મોટી વિકેટ લઈ ગયો IPLનો સ્ટાર બેટર
IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી અને શ્રેણીની છેલ્લી વન-ડેમાં આજે શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ શ્રેણીની ત્રણેય મેચમાં શ્રીલંકા જ ટોસ જીત્યું હતું અને ત્રણેય મેચમાં તેણે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ભારતે રિયાન પરાગને વન-ડે કેપ આપી
ભારતે આજે ટીમ કોમ્બિનેશનમાં ફેરફાર કર્યો હતો. ભારતે વિકેટકીપર લોકેશ રાહુલના સ્થાને રિષભ પંતને ટીમમાં સ્થાન આપ્યું હતું. તો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પણ આરામ આપવામાં આવ્યો હતો. આજની મેચમાં ભારતે રિયાન પરાગને વન-ડે કેપ આપી હતી. રિયાન IPLમાં રાજસ્થાન રોયલ્સની ટીમમાંથી સારો દેખાવ કરી ચૂક્યો છે. તેને વિરાટ કોહલીના હાથે કેપ આપવામાં આવી હતી. વિરાટ કોહલી રિયાન પરાગનો આદર્શ ખેલાડી છે.
પોતાની પહેલી જ વન-ડેમાં શાનદાર બોલિંગ
રિયાન પરાગે પહેલી જ વન-ડે મેચમાં પોતાની બોલિંગ સ્કિલ્સ બતાવી દીધી હતી. તેણે સેટ બેટર અને સદીની નજીક પહોંચેલા અવિષ્કા ફર્નાન્ડોને 96 રને લેગ બિફોર વિકેટ આઉટ કર્યો હતો. ભારતને એ સમયે વિકેટની ખૂબ જરૂર હતી અને ત્યારે તેણે પોતાની મહત્તા સાબિત કરી હતી. ત્યાર બાદ મેચમાં આગળ તેણે શ્રીલંકન કૅપ્ટન ચરીથ અસલંકાની વિકેટ પણ ઝડપી હતી.
મહત્ત્વના બેટરની વિકેટ પણ ઝડપી
રિયાને આ બે મહત્ત્વના બેટર્સની વિકેટ ઉપરાંત પ્રથમ અને બીજી વન-ડેમાં જોરદાર બેટિંગ કરનાર દુનિથ વેલ્લાલગેની વિકેટ પણ ઝડપી હતી. દુનિથ પ્રથમ વન-ડેમાં સૌથી વધારે રન કરનાર બેટર રહ્યો હતો જયારે બીજી વન-ડેમાં છેલ્લે તેણે તાબડતોબ બેટિંગ કરી હતી. બંનેમાં તેનો સ્કોર 67 અને 39 હતો. માટે ભારત માટે રિયાન પરાગે ખૂબ મહત્ત્વનું કામ કરી આપ્યું હતું.
શ્રીલંકાએ ત્રીજી વન-ડેમાં સિરીઝનો સૌથી મોટો ટાર્ગેટ આપ્યો હતો. ટીમે 7 વિકેટે 50 ઓવર્સના અંતે 248 રન બનાવ્યા હતા અને ભારતને 249 રનનો ટાર્ગેટ આપ્યો હતો.