હરખ હરખમાં પાસપોર્ટ અને ફોન ભૂલી ગયો ભારતીય ક્રિકેટર, કહ્યું- ટીમ ઈન્ડિયાની જર્સી પહેરવી મોટી વાત
ભારતીય ક્રિકેટની એક ટીમ એકતરફ ટી-20 વર્લ્ડકપ જીતવાની ખુશી મનાવી રહી છે. તો બીજી તરફ એક ટીમ શુભમન ગીલની કેપ્ટનશીપમાં ઝિમ્બાબ્વે પહોંચી છે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયા યજમાન ઝિમ્બાબ્વેની ટીમ સાથે 5 મેચની T20 શ્રેણી રમશે, જે 6 જુલાઈથી શરૂ થશે.
આ જુનિયર ભારતીય ટીમમાં ઘણા એવા ખેલાડીઓ છે જે પહેલીવાર ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળશે. આઈપીએલમાં સારો દેખાવ કરનાર આસામનો ઓલરાઉન્ડર રિયાન પરાગ (Riyan Parag) અને પંજાબનો અભિષેક શર્મા (Abhishek Sharma) પણ તેમાં સામેલ છે.
રિયાન પરાગે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ પહેલા ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેના પ્રદર્શનને જોઈને BCCIએ તેને પહેલીવાર ટીમ ઈન્ડિયામાં સામેલ કર્યો. ઝિમ્બાબ્વે ટુર પહેલા BCCIએ એક વીડિયો શેર કર્યો છે જેમાં રિયાન પરાગ અને અભિષેક શર્મા પોતાનો અનુભવ શેર કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન રેયાને કહ્યું કે ઉત્સાહમાં તે તેનો મોબાઈલ અને પાસપોર્ટ ભૂલી ગયો હતો પરંતુ હવે તે બંને તેની સાથે છે.
બીસીસીઆઈએ તેની સત્તાવાર સોશિયલ મીડિયા વેબસાઈટ પર 2 મિનિટ 53 સેકન્ડનો એક વીડિયો અપલોડ કર્યો છે. વિડિયોમાં રિયાન પરાગે કહ્યું, 'મેં નાનપણથી જ આનું સપનું જોયું હતું. અમે મેચો રમીએ છીએ પરંતુ ક્રિકેટ સાથે એવી વસ્તુઓ આવે છે જેમ કે ટીમ સાથે મુસાફરી કરવી અને ટીમ ઈન્ડિયાની જર્સી પહેરવી. આ બધા વચ્ચે હું એટલો ઉત્સાહિત હતો કે હું મારો પાસપોર્ટ અને મોબાઈલ આસપાસ ક્યાંક મૂકી દીધો હતો.
રિયાન પરાગે કહ્યું હતું કે, 'હું ખરેખર ખૂબ જ ખુશ છું. આસામથી આવીને મારું સપનું ભારત માટે રમવાનું હતું. જ્યારે હું મારી પ્રથમ મેચ રમીશ ત્યારે ઝિમ્બાબ્વે સાથે મારો ખાસ સંબંધ હશે. તે મેદાન અને મારા માટે આ એક ખાસ ક્ષણ હશે. 20 કલાકની મુસાફરી પછી આખરે અમે અહીં પહોંચ્યા છીએ. હવે હું આ પ્રવાસ શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.
ભારત અને ઝિમ્બાબ્વે (IND vs ZIM) ની ટીમો 6 જુલાઈથી કેપિટલ હરારેમાં 5 મેચની T20 શ્રેણીમાં એકબીજાનો સામનો કરશે. ટીમ ઈન્ડિયા 6 જુલાઈએ યજમાન ઝિમ્બાબ્વે વિરુદ્ધ પ્રથમ T20 મેચ રમશે. આ મેચ હરારેમાં રમાશે. શ્રેણીની બીજી મેચ બીજા જ દિવસે એટલે કે 7મી જુલાઇએ રમાશે જ્યારે ત્રીજી અને ચોથી મેચ અનુક્રમે 10મી અને 13મી જુલાઈએ રમાશે. આ શ્રેણીની પાંચમી અને છેલ્લી T20 મેચ 14 જુલાઈએ હરારેમાં રમાશે.